(Photo by Jeff J Mitchell/Getty Images)

સમગ્ર યુરોપમાં ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડી ચાલુ રહેતા જનજીવન ઠપ થયું હતું. ફ્રાન્સમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતાં અને સેંકડો ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો ફસાયા હતાં. ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, ઇટાલી સહિતના દેશોમાં રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ હતી. રસ્તા પર બરફના ચાદર છવાઈજતાં ટ્રાફિકની સ્થિતિ ભયાનક બની હતી. પેરિસમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. ફ્રાન્સના છ એરપોર્ટ બંધ રાખવા પડ્યા હતાં. બ્રિટનમાં રાત્રે તાપમાન ગગડીને માઈનસ 12.5 ડિગ્રી પહોંચ્યું હતું.

ફ્રાન્સના લેસ લેન્ડેસ પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં. પેરિસની નજીક આવેલ ઇલે-દ-ફ્રાન્સ પ્રદેશમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં. સોમવારે ભારે બરફવર્ષાના કારણે ટ્રાફિક જામ થયો હોવાથી અધિકારીઓએ ટ્રકોને રસ્તા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે પેરિસવાસીઓ જાગ્યા ત્યારે તેમને પ્રખ્યાત સ્થળો સહિતના વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.

ભારે બરફવર્ષાને કારણે ફ્રાન્સના ઉત્તર અને પશ્ચિમમાં છ એરપોર્ટ બંધ કરવા પડ્યા હતાં અને યુરોપ ખંડના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવતા પેરિસ એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. તેનાથી વિમાન મુસાફરો ફસાયાં હતાં.
નેધરલેન્ડ્સમાં બરફ પડવાને કારણે રાજધાની એમ્સ્ટરડેમના શિફોલ એરપોર્ટે પર આશરે 400 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. કર્મચારીઓ રન-વે સાફ કરવાની અને ઉડાન ભરવાની રાહ જોઈ રહેલા વિમાનોને બરફથી મુક્ત કરવાની કામગીરી ચાલુ કરી હતી. સોમવારે પણ એમ્સ્ટરડેમમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. ચાલુ સપ્તાહના બાકીના સમયગાળામાં પણ અહીં ભારે બરફવર્ષાની આગાહી કરાઈ હતી. એમ્સ્ટરડેમ એરપોર્ટથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું, કારણ કે રેલવે સિસ્ટમમાં વહેલી સવારે સોફ્ટવેર ખામી સર્જાતા રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો.
દેશની નેશનલ રેલ્વે કંપની NSએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે સવારે મોડેથી મર્યાદિત રેલ સેવાઓ ફરી શરૂ થઈ હતી, પરંતુ બર્ફીલા વાતાવરણને કારણે એમ્સ્ટરડેમની આસપાસના રૂટ મોટાભાગે બંધ રહ્યા હતાં. કંપનીએ મુસાફરોને જો ખૂબ જ જરૂરી હોય તો જ મુસાફરી કરવાની અપીલ કરી હતી.

ઇટાલીના રોમમાં અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે ટાઇબર નદીમાં પૂર આવ્યું હતું. તેનાથી પોપ લીઓની નાતાલની ઉજવણીઓના રંગમાં ભંગ પડ્યો હતો. મંગળવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પાંખી હાજરી જોવા મળી હતી. સેન્ટ પીટર્સ બેસિલિકાના લોગિયામાંથી પોપ લીઓનું પ્રવચનના સાંભળવા માટે મર્યાદિત લોકો હાજર રહ્યાં હતા અને તેમના હાથમાં છત્રીઓ હતી.

બરફવર્ષાને કારણે બ્રિટનમાં રાત્રે તાપમાન ગગડીને માઈનસ 12.5 ડિગ્રી પહોંચ્યું હતું. બરફવર્ષાને કારણે રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી અને ઉત્તરીય પ્રદેશોમાં સેંકડો શાળાઓ બંધ રખાઈ હતી. બરફવર્ષાને કારણે હોર્સ રેસ અને ફૂટબોલ મેચો રદ કરવામાં આવી હતી. બરફના કારણે વીજળી ગુલ થવાથી ગ્લાસગોનો સબવે બંધ થઈ ગયો હતો અને લિવરપૂલનું જોન લેનન એરપોર્ટ સોમવારે થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું.

સ્કોટલેન્ડના ઉત્તરના વિસ્તારોમાં મંગળવારે 15 સેન્ટિમીટર (6 ઇંચ) સુધી બરફ પડવાની આગાહી કરાઈ હતી. અહીં કેટલાક લોકો અગાઉના બરફવર્ષામાં ફસાયેલા છે. સ્કોટલેન્ડના સાંસદ એન્ડ્રુ બોવીએ સ્થિતિને ગંભીર હોવાનું જણાવીને બરફ સાફ કરવા અને ફસાયેલા લોકોને ખોરાક અને મેડિકલ પુરવઠો પહોંચાડવા માટે સૈનિકો મોકલવાનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY