high court of Gujarat
હાઇ કોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ (istockphoto.com)

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ ટકી શકે તેમ નથી. કોર્ટે જણાવ્યું છે કે, જ્યાં સુધી સાબિત ન થાય કે યુવતીને છેતરીને અથવા બળજબરીપૂર્વક ફસાવવામાં આવી છે ત્યાં સુધી એફઆઈઆર દાખલ ન થવી જોઈએ.

આ પહેલા મંગળવારના રોજ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાજ્યમાં બે અલગ અલગ ધર્મના લોકોના લગ્ન પર પ્રતિબંધ નથી પરંતુ લગ્ન એ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનું માધ્યમ ના બનવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા લગ્નના માધ્યમથી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને લગતા નવા કાયદાને લગતી અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી હતી. આ અરજીઓમાં કાયદાના નવા સુધારાને પડકારવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરે તો આ પ્રકારના કેસમાં માત્ર લગ્ન થયા છે તે આધાર પર એફઆઈઆર દાખલ કરી શકાય નહીં. જો સાબિત કરવામાં આવે કે લગ્ન બળજબરીપૂર્વક, દબાણપૂર્વક અથવા લાલચ આપીને કરવામાં આવ્યા છે તો જ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

ગુજરાતમાં 15 જૂનના રોજ લવ જેહાદ કાયદાને અમલમાં મુકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ દસ વર્ષ સુધીની જેલની સજા અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકારના કાયદાનો હેતુ રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓને રોકવાનો છે. ગુજરાત પહેલા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે.