64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
સોમનાથ મંદિર (istockphoto.com)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગર દર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે 45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહિલ્યાબાઈ નિર્મિત સોમનાથ મહાદેવના મંદિરનાં વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાશે તેમજ સોમનાથ મંદિર પરિસરમાં 30 કરોડના ખર્ચે નિર્માણ થનારા પાર્વતી મંદિરનું ભૂમિપૂજન કરાશે.

વૉક-વેનું લોકાર્પણ થતાં જ એના પર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ જૂથનાં લોકનૃત્યો, જૂનાગઢ પોલીસ બેન્ડ, વિવિધ પૌરાણિક પાત્રો સાથેના રથ, બાંટવાની જય ચામુંડા રાસમંડળીના દાંડિયારાસ, ચોરવાડનું ટિપ્પણી નૃત્ય અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સાથેની શોભાયાત્રા પણ નીકળશે. વોક-વે પથ પર લોકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો પણ મળશે.

શ્રીપાર્વતી મંદિર અંદાજે રુ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. 380 સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને 1250 સ્ક્વેર મીટરનો નૃત્ય મંડપ પણ બનાવાશે. ઉદ્ઘાટન અને શિલાન્યાસના આ કાર્યક્રમ સમયે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રવાસનપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.કેન્દ્ર સરકારની પ્રસાદ (પિલગ્રીમ રિજુવેનેશન એન્ડ સ્પિરીચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ) યોજના હેઠળ આ માટે તમામ નાણાકીય મદદ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ યોજનાનુ લોકાર્પણ વર્ષ 2014-15માં વડાપ્રધાને જ કર્યું હતુ. યાત્રાધામ અને હેરિટેઝ પ્રવાસન સ્થળો વચ્ચે સુમેળ સાધવાના હેતુથી આ યોજનાને અમલમાં મુકાયેલી છે.