ગુજરાત હાઇકોર્ટે મહેસાણાના વૃદ્ધ દંપતિને તેમના પૌત્રને અમેરિકા લઇ જઇ ત્યાં જ ગેરકાયદે વસતી માતાને તેનો પુત્ર સોંપવા આદેશ આપ્યો હતો.
મહેસાણા જિલ્લાનું એક દંપતિ થોડા વર્ષો પૂર્વે અમેરિકામાં ગેરકાયદે જઇ વસ્યું હતું. તે પછી તેમને પુત્ર થતાં બાળઉછેરની તકલીફના કારણે સંતાનને ભારતમાં નાના નાની સાથે મોકલવામાં આવ્યું હતું. એક વર્ષ પછી દંપતિમાં ઝઘડો થતા બાળક દાદા-દાદી પાસે લઇ જવાયું. બંને છૂટા પડ્યા તે પછી મહિલાએ ગત ઓગષ્ટમાં અમેરિકી કોર્ટમાંથી સંતાનની કસ્ટડીનો આદેશ મેળવ્યો હતો.
ગત ફેબ્રુઆરીમાં બાળકને પુનઃ તેના નાના-નાનીને સોંપવા આદેશ કરનાર ગુજરાત હાઇકોર્ટમાં આ મતલબના કેસમાં સુનાવણી દરમિયાન મહિલાના વકીલે બાળકને અમેરિકા મોકલવા સંબંધિત રજૂઆત કરતા કોર્ટે પૌત્રના કબજેદાર નાના-નાની અમેરિકા જઇ શકશે કે કેમ તેની પૂછપરછ કરતાં તેમની પાસપોર્ટ હોવાનું જણાયા બાદ કોર્ટે વૃદ્ધ દંપતિને યુ.એસ. વિઝા અરજી તથા અરજી ઝડપથી હાથ ધરવા એમ્બેસીને વિનંતી માટે જણાવ્યું હતું.
હાઇકોર્ટના જજોએ આદેશમાં નોંધ્યું હતું કે બાળક તેના નાના-નાની સાથે ભળી ગયું હોવાથી બાળકને અજાણ્યા સાથે મોકલવાના બદલે નાના-નાની સાથે જ વિદેશ મોકલવાનું યોગ્ય રહેશે. આ કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ પછી યોજાવા નિર્ધારીત છે.