બોલિવૂડના એક ફિલ્મમેકરે યુટ્યૂબ પર કથિત કોપીરાઈટ ઉલ્લંઘન મુદ્દે ગૂગલ કંપની અને તેના સીઈઓ સુંદર પિચાઈ સહિત કંપનીના 5 કર્મચારીઓ વિરૂદ્ધ કેસ કર્યો થયો છે. કોર્ટના હુકમથી કથિત કોપીરાઈટના ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે.
ફિલ્મમેકર સુનીલ દર્શનના જણાવ્યા પ્રમાણે તેમણે તેમની ફિલ્મ ‘એક હસીના થી, એક દીવાના થા’ના રાઈટ્સ કોઈને પણ નહોતા આપ્યા અને તેને યુટ્યુબ પર રીલિઝ પણ નહોતી કરી, તેમ છતાં આ ફિલ્મને લાખો લોકોએ તેને યુટ્યૂબ પર નિહાળી છે. સુનીલ દર્શનના દાવા મુજબ તેમની મંજૂરી વગર જ તેમની ફિલ્મને ગેરકાયદે અપલોડ કરીને મોટી રકમની કમાણી કરવામાં આવી છે.
દર્શને જણાવ્યું કે, ‘મેં સુંદર પિચાઈને આ માટે જવાબદાર ઠેરવ્યા છે કારણ કે, તેઓ ગૂગલના સીઇઓ છે. મેં મારી ફિલ્મના એક બિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ ટ્રેક કર્યા છે. કંપનીએ આ અંગે ચિંતા દર્શાવી છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરી.’ પિચાઈ ઉપરાંત યુટ્યૂબના હેડ ગૌતમ આનંદ, ફરિયાદ નિવારણ અધિકારી જો ગ્રિયર સહિત ગૂગલના 5 કર્મચારીઓના નામ ફરિયાદમાં છે.
આ અંગે ભારતમાં ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, કોપીરાઈટના ઉલ્લંઘનની સૂચના મળે એટલે તેઓ તરત જ સામગ્રીને હટાવી દે છે અને એકથી વધુવાર ઉલ્લંઘન કરનારાઓના એકાઉન્ટ બંધ કરી દે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મેજિસ્ટ્રેટ કોર્ટના હુમકથી અંધેરીના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મમેકર સુનીલ દર્શને કથિત કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવીને ગૂગલ અને તેના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ કેસ નોંધવા કોર્ટમાં માગણી કરી હતી.