હિમાલયની પર્વતમાળામાં ઉત્તરાખંડસ્થિત ગંગોત્રી હિમશીખરો ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે. ભારતના પર્યાવરણ બાબતોના પ્રધાન ભૂપેન્દ્ર યાદવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧થી ૨૦૧૬ના ૧૫ વર્ષમાં ગંગોત્રીના હિમશીખરોનો અંદાજે ૦.૨૩ ચો. કિ.મી. હિસ્સો ઘટી ગયો હતો. હિમાલયમાં હિમશીખરોના પીગળવા અંગે ચેતવણી આપતાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઈસરો આ હિમશીખરોનું નિરીક્ષણ કરી રહી છે. ઈસરો ઈન્ડિયન સેન્સિંગ રિમોટ સેટેલાઈટના આંકડા મારફત હિમશીખરોની સ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. ભાજપના નેતા મહેશ પોદ્દારે વાયુમંડળમાં બ્લેક કાર્બનની કથિત હાજરીના કારણે હિમશીખરો પીગળી રહ્યા હોવાના અહેવાલ અંગે પુષ્ટી કરવાની માગણી કરી હતી. આ અહેવાલોમાં જણાવાયું હતું કે છેલ્લા બે દાયકામાં હિમશીખરો નોંધપાત્ર રીતે પીગળી રહ્યા છે. તેમણે હિમાલયના ખીણ વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી માટે સરકારે ઉઠાવેલા પગલાં અંગે પણ સવાલ કર્યો હતો.
આ સવાલોના સંદર્ભમાં ભુપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, હિમાલયના હિમશીખરો કેટલી હદે ઘટયા છે તે જાણવું એક જટીલ વિષય છે. જેનો અભ્યાસ ભારત અને દુનિયાના વૈજ્ઞાાનિકો દ્વારા વિવિધ કેસ અભ્યાસની તપાસ, ડેટા એકત્ર અને વિશ્લેષણના માધ્યમથી કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, હિમાલયમાં સ્થિર, પાછા હટતા અથવા આગળ વધતા હિમશીખરો છે, જેનાથી હિમનદીની ગતિશીલતાની જટીલ ભૌગોલિક અને ચક્રિય પ્રકૃતિ પર ભાર મૂકાય છે. આ રિપોર્ટથી જાણવા મળે છે કે હિમાલય ક્ષેત્રમાં બ્લેક કાર્બનની હાજરી છે. જોકે, ગંગોત્રીના હિમશીખરોને મોટાપાયે નુકસાન અને તેના ઘટાડા પર તેની અસરોનો અભ્યાસ કરાયો નથી. બ્લેક કાર્બન ગ્લોબલ વોર્મિંગના પરિવર્તનમાં એક મહત્વનું પરીબળ છે. કાળા કાર્બનના કણ સૂર્યના પ્રકાશને દૃઢતાથી અવશોષિત કરે છે. તે ફોસીલ ફ્યુઅલ, બાયો ફ્યુઅલ અને બાયોમાસના અધૂરા દહનના પરીણામ સ્વરૂપે પ્રાકૃતિક અને માનવીય પ્રવૃત્તિઓ બંનેથી ઉત્પન્ન થાય છે. ઈસરો પાસેથી પર્યાવરણ મંત્રાલયને મળેલી માહિતી મુજબ હિમાલયના ક્ષેત્રમાં બ્લેક કાર્બનની સ્થિતિ પરિવર્તનશીલ જોવા મળી છે, જેમાં પશ્ચિમી હિમાલય પર તેની બહુ ઓછી વેલ્યુ, પૂર્વીય હિમાલય પર મધ્યમ વેલ્યુ છે. હિમાલયની તળેટીમાં તેની વેલ્યુ વધુ હોય છે.