ભારત સરકારના બે મંત્રાલયોએ મળીને આ વર્ષે કુલ 1311 વાંધાજનક વેબસાઈટ લિંક બ્લોક કરી દીધી હતી. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આ વેબસાઈટ યુઆરએલમાં નફરત ફેલાય એવું લખાણ હતું. આ વર્ષમાં જ કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય અને માહિતી-પ્રસારણ મંત્રાલયે કુલ 1311 વેબસાઈટ લિંક બ્લોક કરી દીધી હતી. આઈટી મંત્રાલયે આ વર્ષે 1264 લિંક પ્રતિબંધિત કરી દીધી હતી. તો માહિતી અને પ્રસારણ વિભાગે 47 વેબસાઈટ લિંકને બ્લોક કરી હતી.
કેન્દ્રીય પ્રધાને આપેલી વિગતો પ્રમાણે સરકારે સૌથી વધુ 9849 વેબલિંક 2020માં બ્લોક કરી હતી. 2017થી લઈને 2021 દરમિયાન સરકારના બંને મંત્રાલયોએ મળીને 23,764 વેબસાઈટ લિંક સામે આકરી કાર્યવાહી કરી હતી. આ વેબ કન્ટેન્ટમાં વાંધાજનક સામગ્રી હતી. ખાસ તો નફરત ફેલાય તેવી વિગતો એમાં મૂકવામાં આવી હતી. ઘણી લિન્કમાં દેશ વિશે જૂઠાણા ફેલાવવામાં આવતા હતા. આ લિન્ક નોડલ ઓફિસરની ભલામણથી બ્લોક કરવામાં આવી હતી. આ વેબસાઈટ લિંકમાં જે સામગ્રી હતી તેમાં ભારતના આઈટી એક્ટનું ઉલ્લંઘન થયું હતું. આઈટી એક્ટ અંતર્ગત સરકારે કાર્યવાહી કરી હતી.