પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડેમોક્રેટિક નેતાગીરી પક્ષમાં હિન્દુઓ પ્રત્યે વધતી જતી ઘૃણા અંગે મૂકપ્રેક્ષક બની હોવાનો આક્ષેપ કરીને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ શુક્રવારે (25 સપ્ટેમ્બર) ચેતવણી આપી હતી કે આવી માનસિકતા પર અંકુશ મૂકવામાં નહીં આવે તો આ પ્રભાવશાળી ધાર્મિક લઘુમતીનો સપોર્ટ રીપબ્લિકન પાર્ટી તરફ ખસે તેવી શક્યતા છે.

ઇન્ડિયન અમેરિકન લોકો ડેમોક્રેટિક પાર્ટીની જગ્યાએ રીપબ્લિકન્સ અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ ધીમે ધીમે ખસી રહ્યા હોવાનો સંકેત આપતા તાજેતરના સરવે પછી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનને આ ચેતવણી ઉચ્ચારી છે.

મીડિયા પ્લેટફોર્મ પર મુકેલી એક પોસ્ટમાં ફાઉન્ડેશને જણાવ્યું હતું કે ઘણા ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટિક પાર્ટી શા માટે છોડી રહ્યા છે તે અંગે ઇન્ડિયન અમેરિકન મતદાતા સાથે વાતચીત કરો. તેમની વોટ્સએપ ચેટ્સની તપાસ કરતાં તરત જણાય છે કે ડેમોક્રેટિક પાર્ટીની કથિત સુપર પ્રોગ્રેસિવ વિન્ગ દ્વારા નિરંકુશ હુમલા થાય છે અને તેઓ ભારત વિરોધી પ્રચાર કરે છે. આ વિન્ગમાં અમર શેરગીલ પણ સામેલ છે.

કેલિફોર્નિયા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ કોકસના વડા શેરગીલ તથા કેલિફોર્નિયા સ્થિત રાજકીય કાર્યકર પીટર ફ્રાઇડરિચ ડેમોક્રેટિક પાર્ટીમાં તમામ ઇન્ડિયન અમેરિકન અને હિન્દુ સાંસદો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આવી ઝુંબેશ સામે પાર્ટીની ટોચની નેતાગીરી અત્યાર સુધી મૂકપ્રેક્ષક બની રહી છે.

HAFએ આક્ષેપ કર્યો હતો કે ટાર્ગેટ કરાયેલી આવી વ્યક્તિઓમાં પ્રતિનિધિગૃહમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ કોંગ્રેસમેન તુલસી ગાબાર્ડ, ટેક્સાસમાંથી ડેમોક્રેડિક ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા શ્રી કુલકર્ણી, ડેમોક્રેટિક મિશિગન સ્ટેટ હાઉસના સભ્ય પદમા કુપ્પાનો સમાવેશ થાય છે.

ફ્રાઇડરિચ, શેરગીલ અને તેમના રાજકીય સાથીદારોએ માત્ર કુલકુર્ણી, કુપ્પા અને ગાબાર્ડને જ નહીં, પરંતુ અમી બેરા અને રાજા ક્રિષ્નામૂર્તિ જેવા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક સાંસદોને પણ શિકાર બનાવ્યા છે. ડેમોક્રેટિક ઉમેદવાર જેનિફર રાજકુમાર અને સારાગોટો સિટી કાઉન્સિલના સભ્ય તથા કેલિફોર્નિયા કોંગ્રેસનલ ઉમેદવાર રિશી કુમાર સામે પણ આવા હુમલા થયા છે. ફ્રાઇડરિચ બિડેનના સિનિયર કેમ્પેઇન સ્ટાફર અને સિનિયર પોલિસી એડવાઇઝર સોનલ શાહની વિરુદ્ધ પણ કાર્ય કરે છે. HAFના જણાવ્યા અનુસાર આ આવા હુમલામાં એક પેટર્ન છે. હિન્દુ ઓળખ દર્શાવતા અગ્રણી હિન્દુ અમેરિકન દાતાનું ખરાબ ચિત્રણ કરવામાં આવે છે. તેઓ ભારત-અમેરિકાના મજબૂત સંબંધોને હિન્દુ નેશનાલિસ્ટ, હિન્દુ સર્વોપરિતાના હિમાયતી કે હિન્દુ ફારિસ્ટ તરીકે ઓળખાવે છે. બેવડી વફાદારીના આક્ષેપ થાય છે. આવા તમામ સામે આશંકા ઊભી કરાઈ છે અને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા દાતા દ્વારા સપોર્ટ કરવામાં આવેલા હિન્દુ અમેરિકન ઉમેદવારો સામે ખાસ હુમલા કરવામાં આવે છે.

ફાઉન્ડેશને જણાવ્યું હતું કે હિન્દુ અમેરિકન ઉમેદવારો અને દાતા સામે પ્રચારઝુંબેશ ચલાવતા વરિષ્ઠ નેતાઓ સામે ડેમોક્રેડિટ પાર્ટી લગામ ખેંચે છે કે નહીં, હિન્દુ અમેરિકન ડેમોક્રેટ્સ સામે રીપબ્લિકન ઉમેદવારોનું સમર્થન કરવાની મુસ્લિમોને અપીલ કરતા ફ્રાઇડરિચ સામે પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.