– અમિત રોય
વિશ્વભરમાં હાલપર્યંત અત્યંત સન્માનજક સામાજિક મોભો ધરાવતા તથા પારિવારિક એક્તાના અનુકરણીય દૃષ્ટાંતરૂપ હિંદુજા પરિવારમાં ભાગલાના અહેવાલોથી ભારતીય સમુદાયમાં આઘાત અને દુઃખની લાગણી પ્રવર્તે છે. હાઈકોર્ટ સમક્ષના કેસમાં જસ્ટીસ શ્રીમતી ફોકે 23મીએ આપેલા ચુકાદામાં ક્લેઈમન્ટ (દાવો કરનાર) તરીકે શ્રીચંદ પરમાનંદ હિંદુજાનું નામ નોંધ્યું હતું.

84 વર્ષના શ્રીચંદ હિંદુજાના પુત્રી વિનુ હિંદુજાએ તેણીના ત્રણ કાકાઓ સામે દાવો માંડ્યો હતો. વિનુને ચિંતા હતી કે તેના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે પારિવારિક વારસામાં તેનો (વિનુ) હિસ્સો જોખમાશે. વિનુ હિંદુજાની સાથે તેની બહેન શાનુ અને માતા મધુ પણ હિસ્સાના દાવામાં જોડાયા હતા.

આ કેસમાં સામાવાળા પક્ષકાર તરીકે 80 વર્ષના ગોપીચંદ, 75 વર્ષના પ્રકાશ અને 70 વર્ષના અશોક હિંદુજાના નામો અપાયા છે. હિંદુજા બંધુઓ પૈકી શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા લંડનમાં, પ્રકાશ હિંદુજા જીનીવા અને અશોક હિંદુજા મુંબઈમાં વસે છે.

મિત્રવર્તુળોના જણાવ્યાનુસાર તેઓ વિનુને પુત્રીની માફક પ્રેમ કરે છે પરંતુ આ કિસ્સામાં વિનુએ પિતાની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ પારિવારિક મિલ્કતના ભાગલા પડાવી હિંદુજાઓ સંપત્તિનો ચોથો ભાગ મેળવવા વિચાર્યું હોવાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. ‘ઈસ્ટર્ન આઈ’ની ગતવર્ષની ધનિકોની યાદી પ્રમાણે હિંદુજા બંધુઓ 25 બિલિયન પાઉન્ડની સંપત્તિના આસામી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ધનિકોની યાદીમાં મોખરાના સ્થાને રહેલા છે.

હિંદુજા પરિવારની સંપત્તિના ભાગલા એટલા સરળ નહીં હોય કારણ કે પરિવારની વ્યક્તિગત સંપત્તિ પણ ટ્રસ્ટો સાથે જોડાયેલી અને આ મુદ્દે જ કોઈ ઉપાય જાણવા વિનુ ન્યૂ જર્સી ગયાનું પણ કહેવાય છે.હિંદુજા પરિવારના શુભચિંતકો પૈકીના એક શુભચિંતકે ગરવી ગુજરાત સમક્ષ અન્ય શુભચિંતકો જેવી જ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પારિવારિક મતભેદ ગમે તે હોય પરંતુ તે પારસ્પરિક સંમતિથી ઉકેલી શકાય તેમ છે. હિંદુજા પરિવાર ભારત માટે અત્યંત મહત્ત્વનો છે.

હાઈકોર્ટ સમક્ષના કેસમાં વિનુ તેના પિતા વતી ‘લિટિગેશન ફ્રેન્ડ’ તરીકે કેસ લડી શકે કે કેમ તે સહિતના ટેકનિકલ મુદ્દા ઉભા થયા હતા કારણ કે તેણે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. જોકે જજે તે (વિનુ) કેસ લડી શકે તેમ ઠરાવ્યું હતું. એવી પણ દલીલો થઈ હતી કે વિનુ તેના પિતાના હિતમાં લડી રહી છે કે કેમ કારણ કે શ્રીચંદ હિંદુજા એક પ્રકારે ચિતભ્રમ લ્યૂઈ બોડી ડીસીઝની તકલીફથી પીડાઈ રહ્યા છે.

આ ઉપરાંત ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિંદુજાને તેમના મોટાભાઈ શ્રીચંદને જોવા પણ જવા દેવાતા નથી કારણ કે ત્રણેય ભાઈઓ તેના પિતા ઉપર કોઈક પ્રકારે દબાણ લાવે તેવી વિનુને ભીતિ છે.યુકેમાં વસતા 2.5 મિલિયન જેટલા ભારતીયોનો સમુદાય આઘાતની લાગણી વચ્ચે તે જાણવા આતુર છે કે આવું કેમ બની ગયું. ભારતીયો, ભારત અને યુકે-ભારત વેપારસંબંધો માટે સદા તત્પર રહેલા હિંદુજા પરિવારમાં થતા કોઈપણ નુકશાનની દીર્ધકાલિન અસરો પણ રહે છે.

આ કિસ્સામાં ભત્રીજી અને ત્રણ કાકાઓ વચ્ચે નહીં પરંતુ શ્રીચંદ વિરૂધ્ધ ત્રણ ભાઈઓ ગોપી, પ્રકાશ અને અશોક હિંદુજા વિરૂધ્ધના જંગનો મામલો છે. જોકે એક મિત્રે યોગ્ય રીતે જ આને એસપી વિરૂધ્ધ એસપીનો મામલો ગણાવ્યો છે. શ્રીચંદ હિંદુજા પારિવારિક એક્તા માટે જ જીવ્યા છે. ભારતમાં અંબાણી બંધુઓ મુકેશ અને અનિલ અંબાણી છૂટા પડવા માંગતા હતા ત્યારે ધીરૂભાઈ અંબાણીએ શ્રીચંદ હિંદુજાની સલાહ માંગી હતી.

હિંદુજા બંધુઓ બધું જ બધાનું અને કોઈનું અલગથી કશું જ નહીં તેવી વિચારધારામાં માનતા હતા. ચારેય હિંદુજા બંધુઓ પોતાને ‘રામાયણના રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માનતા હતા જે ચાર અલગ શરીર પણ આત્મા એક હતો.’
હિંદુજાઓને સમજવા સંયુક્ત પરિવારના ઢાંચા તરફ નજર રાખવી રહી. આપવા માટે કામ કરો. એક્ટ લોકલ, થીન્ક ગ્લોબલની મૂળભૂત ફીલોસોફી હિંદુજા બંધુઓને પિતા પરમાનંદ દીપચંદ હિંદુજા પાસેથી મળી હતી.

1901માં સિંઘ (હાલમાં પાકિસ્તાનમાં) ના શિકારપુરમાં જન્મેલા પરમાનંદે 1914માં બોમ્બે (હાલના મુંબઈ) આવી પારિવારિક ધંધાની શરૂઆત કરી હતી.મોટાપુત્ર શ્રીચંદ અને પત્ની મધુને બે પુત્રીઓ શાનુ અને વિનુ છે. બીજા પુત્ર ગોપીચંદ અને પત્ની કમલને બે પુત્રો સંજય અને ધીરજ તથા એક પુત્રી રીટા છે. ત્રીજા પુત્ર પ્રકાશ અને પત્ની કમલને બે પુત્રો અજય, રામકૃષ્ણ તથા પુત્રી રેણુકા છે. ચોથા પુત્ર અશોક અને પત્ની હર્ષાને બે પુત્રીઓ અંબિકા, સત્ય અને પુત્ર સોમ છે.

ભારતીય પરિવારોની પરંપરા પ્રમાણે પુત્રોને ધંધામાં આગળ ધપાવાય તેમ સંજયને ઓઈલ તથા ધીરજને અશોક લેલન્ડનો હવાલો સોંપાયો છે. 100થી વધારે દેશોમાં પથરાયેલા હિંદુજા સામ્રાજ્યમાં હેલ્થ, એનર્જી, વીજ ઉત્પાદન, ઓટોમોટીવ, ફાયનાન્સ અને બેંકીંગ ઉપરાંત આઈટી, બીપીઓ, ઓઈલ ગેસ ક્ષેત્રમાં એક લાખથી વધારે લોકોને રોજગાર આપે છે. લંડનમાં 125 રૂમના લાફલ્સ હોટલ સંકુલ તથા 250 વર્ષના લીઝવાળી ઓલ્ડ વોર ઓફિસ ધરાવતા હિંદુજા બંધુઓનો કેસ વધુ જટિલ બનવાનું કારણ એ છે કે 2014માં ચારેય ભાઈઓએ એક કાગળ ઉપર સહીઓ કરી હતી.

આ કાગળ પ્રમાણે કોઈ એક ભાઈના નામની સંપત્તિ ચારેય ભાઈઓની ગણાય. સ્વીત્ઝર્લેન્ડમાં હિંદુજા બેંકના નિયંત્રણનો પણ દાવો ચાલે છે કારણ કે આ બેંક માત્રને માત્ર શ્રીચંદ હિંદુજાના નામની છે. વિનુએ તેના પિતા વતી 2014ના પત્રને વીલ, પાવર ઓફ એટર્ની, ટ્રસ્ટ કે અન્ય બંધનકર્તા દસ્તાવેજ તરીકે કોઈ કાનૂની અસર વિનાનો ગણાવ્યો છે.

વિનુ હિંદુજાએ તેના 84 વર્ષના પિતા શ્રીચંદુ હિંદુજાને પ્રોટેક્ટેડ પાર્ટી તરીકે ઓળખાવી પોતે જ (વિનુ) તેમના (શ્રીચંદ) લીટીગેશન ફ્રેન્ડ હોવાનું સર્ટીફીકેટ આપતા જજે પણ તેનો સ્વીકાર કર્યો હતો. વિનુએ જણાવ્યું હતું કે તેના પિતાની નાદુરસ્ત તબિયતથી તેઓ વકીલોને કોઈ સૂચના આપવાની સ્થિતિમાં નથી.

તેવા સંજોગોમાં હું પોતે (વિનુ) મારા પિતાની એટર્ની છું. આવા સંજોગોમાં મારી માતા અને બહેનના સમર્થનથી આ કેસમાં લીટીગેશન ફ્રેન્ડ તરીકે હાજર છું. સામાવાળા પક્ષકારો પણ શ્રીચંદ હિંદુજાની અસમર્થતતા સ્વીકારે છે. આજ કારણે તેમણે (સામાવાળા પક્ષકારો) 2014ના પત્રના આધારે હિંદુજા બેંકનો કબજો લેવાનો પ્રયત્ન કર્યો છે.