તા. 20ને રવિવારે રાત્રે નોર્થ ઇસ્ટ લંડનના એપિંગમાં આવેલી અને એસાયલમ સિકર્સને રાખતી બેલ હોટલ પાસે લોકોના શાંત દેખાવો ઉગ્ર બન્યા હતા અને પોલીસ સાથે અથડામણો થયા બાદ પોલીસ પર બોટલો અને સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પોલીસે “હિંસક અવ્યવસ્થા” માટે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
લોકોએ “આપણા બાળકોને બચાવો” અને “તેમને ઘરે મોકલો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાકે “વિદેશી ગુનેગારો” ને દૂર કરવાની માંગણી કરતા બેનરો લહેરાવ્યા હતા.
ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સાઇમન એન્સ્લોએ જણાવ્યું હતું કે, “નિરાશાજનક રીતે અમે શાંતિપૂર્ણ વિરોધને બેદરકાર ગુંડાગીરીમાં ફેરવાતો જોયો છે. જેમાં તોફાની વ્યક્તિઓએ ફરીથી અમારા એક અધિકારીને ઇજા પહોંચાડી પોલીસ વાહનને નુકસાન પહોંચાડ્યું છે.”
૩૮ વર્ષીય એસાયલમ સિકર પર જાતીય હુમલો કરવાનો આરોપ લાગ્યા બાદ તણાવ વધી ગયો હતો. તેના પર ૧૪ વર્ષની છોકરીને ચુંબન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુરુવારે કોર્ટમાં હાજર થતાં તેણે આ આરોપનો ઇનકાર કર્યો હતો.
ગુરુવારે સાંજે થયેલી અન્ય અથડામણમાં આઠ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
ગયા ઉનાળામાં, સાઉથપોર્ટમાં એક કિશોર દ્વારા ત્રણ છોકરીઓને છરીના ઘા મારીને જીવલેણ રીતે મારી નાખવામાં આવ્યા બાદ યુકેમાં ઇમિગ્રેશન વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. તે ઘટનાને કારણે ઘણા શહેરોમાં સાયલમ સિકર્સને રાખતી હોટલો પર હુમલા થયા હતા.
