બ્રિટનમાં વર્ક કે સ્ટડી કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ વર્ક પરમીટ મેળવવા માંગતા લોકોએ ઇમિગ્રેશન સિસ્ટમમાં લવાયેલા ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવું પડશે અને તે અંગેના ઘણા નવા નિયમો મંગળવારથી અમલમાં આવી ચૂક્યા છે. જેને કારણે તેમને માટે બ્રિટનમાં ભણવાનું કે કે જોબ કરવાનું હવે મુશ્કેલ બની જશે. લોકોએ ઇન્ડેફીનેટ લીવ ટૂ રીમેન એટલે કે PR માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
ગત મે મહિનામાં સરકાર દ્વારા લવાયેલા ઇમિગ્રેશન વ્હાઇટ પેપર બાદ ફેરફારોને પહેલી જુલાઈએ બ્રિટિશ પાર્લામેન્ટની મંજૂરી મળી હતી. ઇમિગ્રેશનને નિયંત્રિત કરવાના ઉદ્દેશ સાથે સ્કિલ્ડ વર્કર વિઝાના ઘણા નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા હતા અને સ્કિલ્ડ વર્કર વિઝાને પાત્ર નોકરીઓની યાદીમાં કાપ મુકાયો છે. આ નવું લિસ્ટ 2026ના અંત સુધી અમલમાં રહેશે. ત્યાર બાદ કઈ મીડિયમ-સ્કિલ્ડ જોબ્સને યાદીમાં રાખવી તેની માઇગ્રેશન એડવાઇઝરી કમિટી સમીક્ષા કરી રહી છે.
બ્રિટને સ્પોન્સર યોગ્ય નોકરીઓમાં કાપ મૂકી કેર સેક્ટરમાં વિદેશી ભરતીયો પર પ્રતિબંધ લાદ્યો છે. સરકાર ઇન્ડેફિનિટ લીવ ટુ રિમેન (ILR) માટેનો સમયગાળો વધારીને 10 વર્ષનો કરવા માંગે છે. જોકે, હજુ આ પોલિસી અંગે વિચારણા થઈ રહી છે.
22 જુલાઈથી અમલી બનેલા નવા નિયમો અંતર્ગત સ્કિલ્ડ વર્કર્સનું ઓક્યૂપેશન લિસ્ટ ટૂંકું કરાયું છે. કંપનીઓ હવે મીડિયમ સ્કિલ (RQF levels 3-5)ના રૂપમાં વર્ગીકૃત જોબ્સ માટે વિદેશી વર્કરને સ્પોન્સર કરી શકશે નહીં. ઇમિગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા જે નોકરીઓને છૂટ અપાશે તે સિવાયની નોકરીઓ માટે આ નિયમ 2026ના અંત સુધી લાગુ રહેશે.
સ્કિલ્ડ વર્કર રૂટથી વિદેશી કેર વર્કર્સને નોકરી આપવા પર રોક લગાવાઈ છે. અલબત્ત, જેમને 22 જુલાઈ પહેલાં સ્પોન્સર કરાયા હોય તેમને આ નવો નિયમ લાગુ પડશે નહીં.
યુનિવર્સિટીઓએ ફોરેન સ્ટુડન્ટ્સને સ્પોન્સર કરવા માટેનું લાઇસન્સ જાળવી રાખવા કડક નિયમોનું પાલન કરવાનું રહેશે અન્યથા કાર્યવાહી કરાશે. સરકાર યુનિવર્સિટીઓને મળતી ફોરેન સ્ટુડન્ટ્સની ટયૂશન ફીની આવક પર વેરો લાદવાની સંભાવના ચકાસી રહી છે જો કે માટે સંસદની મંજૂરી લેવી જરૂરી છે.
બ્રિટનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીને હવે બે વર્ષના બદલે દોઢ વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા જ મળશે. તો હોમ ઓફિસે વર્ષના અંત સુધીમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચ માપદંડો રજૂ કરવાની જાહેરાત કરી છે.
