(Photo by DIBYANGSHU SARKAR/AFP/GettyImages)

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ મકાનોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં મકાનોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં મકાનોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં મકાનોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું. ગયા અઠવાડિયે પ્રોપર્ટી ક્ન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું. ‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું. બેંગલુરુમાં મકાનોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં મકાનોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.