(Photo by STRDEL/AFP/GettyImages)

અગાઉ હિન્દી ફિલ્મોની વાત આવે એટલે મગજમાં પહેલી ક્લિક તેના હીરો હીરોઈનની થાય એ સ્વાભાવિક છે. પણ ફિલ્મમાં જો વિલન ના હોય તો ફિલ્મ અધૂરી લાગે અને ફિલ્મની આખી મજા બગડી જાય છે. એ જમાનામાં વિલનને એ ફિલ્મનો પ્રાણવાયુ કહેવાતો હતો. તે હીરોને હીરો હોવાની અનુભૂતિ કરાવે છે. તેમાં પણ જો વિલન તરીકે અભિનેતા પ્રાણ હોય તો પછી ફિલ્મ રસપ્રદ બની જતી હતી.

સ્વ. પ્રાણે જીવનમાં ક્યારેય ફિલ્મોમાં અભિનય કરવા વિશે વિચાર્યું ન હતું. તેઓ જીવનમાં કંઈક ખાસ કરવા ઇચ્છતા હતા, પણ તેમને એ ખબર ન હતી કે કરવું છે શું ? જોકે અભ્યાસમાં તેમનું મન જરાય લાગતું ન હતું. આ કારણે મેટ્રિક પછી તેમણે અભ્યાસને છોડી દીધો હતો. શરૂઆતમાં પ્રાણે ફોટોગ્રાફર બનવા વિશે વિચાર્યું  હતું અને તેમણે એક સ્ટુડિયોમાં નોકરી પણ કરી. આ દરમિયાન પહેલાં તેઓ શિમલા, પછી લાહોર અને અંતે મુંબઈમાં સ્થાયી થયા હતા. પડદા પર સિગારના ધૂમાડાથી રિંગો બનાવનાર પ્રાણને સિગારેટ પીવાનું વ્યસન હતું. પરંતુ તેમના આ જ વ્યસનને કારણે તેમનો બોલીવૂડમાં પ્રવેશ થયો હતો. એક વખત પાનની દુકાનની પાસે તેઓ સ્ટાઈલમાં સિગારેટના કસ લઈ ધૂમાડા ઉડાડતા હતા. એ સમયે પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેખક મોહમ્મદ વાલી ત્યાં આવ્યા હતા. તેઓ પ્રાણનો આ અંદાજ જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તેમને બીજા દિવસે મળવા માટે કહ્યું, પણ અભિયનમાં તેમને જરાય રસ ન હોવાથી તેઓ ગયા નહીં.

થોડા દિવસો પછી ફરી પ્રાણ સાથે મોહમ્મદ વાલીનો ભેટો થયો. આ વખતે પ્રાણ તેમની આ ઓફરને નકારી શક્યા નહીં અને અંતે બોલીવૂડને ‘પ્રાણ’ મળ્યા. જોકે જ્યારે તેઓ મુંબઈ આવ્યા હતા ત્યારે ગુજરાન ચલાવવા માટે તેમની પાસે કોઈ કામ ન હોવાથી આઠ મહિના તેમણે મરિન ડ્રાઈવ પાસે આવેલી હોટલમાં પણ કામ કર્યું હતું.

1940માં આવેલી ફિલ્મ ‘યમલા જટ’થી પ્રાણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું. એ પછી તેમણે ક્યારેય પાછું વળી જોયું નથી. તેમણે પડદા પર ખલનાયકના પાત્રને એટલું ઉમદા રીતે ભજવ્યું કે વાસ્તવિક જીવનમાં પણ લોકો તેમને વિલન સમજવા લાગ્યા હતા. જ્યારે તેઓ રસ્તા પર થી પસાર થતા ત્યારે લોકો તેમને બદમાશ, લફંગો અને ગુંડો કહીને ટોણા મારતા હતા. એટલું જ નહીં પ્રાણને પડદા પર જોતાની સાથે જ બાળકો તેમની માતાની સાડીમાં મોઢું છુપાવતા હતા, એટલો તેમનો ડર હતો.

 

LEAVE A REPLY

five × 5 =