શાંતિ માટેના નોબેલ પુરસ્કારની ફરી એક વાર મહત્ત્વકાંક્ષી જાહેર કરતાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરી હતી કે તેમણે વિશ્વમાં સાત યુદ્ધ અટકાવ્યા છે અને તેમને દરેક માટે એક નોબેલ પુરસ્કાર મળવો જોઇએ.
ભારત-પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ કરાવ્યો હોવાનો દાવો ટ્રમ્પ અગાઉ અનેક વાર કરી ચુક્યા છે. અમેરિકન કોર્નરસ્ટોન ઈન્સ્ટિટ્યૂટ ખાતે ડિનર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અમેરિકાને અગાઉ ક્યારેય ન હતું તેટલું સન્માન મળી રહ્યું છે. અમેરિકા શાંતિ કરારો નક્કી કરી રહ્યું છે અને યુદ્ધો અટકાવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને વેપાર બંધ કરવાની ચીમકી આપી અટકાવ્યો હતો. થાઈલેન્ડ, કમ્બોડિયા, આર્મેનિયા, અઝરબૈઝાન, કોસોવો અને સર્બિયા, ઈઝરાયેલ અને ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા, રવાન્ડા અને કોંગો સહિત સાત યુદ્ધો અમેરિકાએ અટકાવ્યા છે. તેમાંથી 60 ટકા યુદ્ધ વેપારની ચીમકી અપાતા અટક્યા હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો. ભારતની જેમ અન્ય દેશોને પણ વેપાર બંધ કરી દેવાની ચીમકી આપી હતી અને યુદ્ધ અટકી ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂરું કરાવીશ તો નોબેલ મળી જશે તેવું નોબેલ પ્રાઇઝ કમિટીએ કહ્યું હતું. અન્ય સાત યુદ્ધ બંધ કરાવ્યા તેનું શું? દરેક યુદ્ધ માટે નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. રશિયા-યુક્રેન પણ આવું જ એક યુદ્ધ છે. આ યુદ્ધમાં શાંતિ કરારમાં મળેલી નિષ્ફળતા માટે ટ્રમ્પે પુતિનને જવાબદાર ઠેરવ્યાં હતાં.
