(Photo by ISHARA S. KODIKARA/AFP via Getty Images)

શ્રીલંકાએ ભારત સામેની ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં ભારતને 7 વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝમાં 2-1થી વિજય નોંધાવ્યો હતો. ઘણા સમય પછી શ્રીલંકાની ક્રિકેટ ટીમ કોઈ સીરીઝમાં વિજેતા રહી હતી. ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન કરી શકી હતી. જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 82 રન કરી લઈ સીરીઝનો વિજય હાંસલ કર્યો હતો. ભારતે પહેલી ટી-20માં શાનદાર વિજય મેળવ્યા પછી બીજી અને ત્રીજી મેચમાં શ્રીલંકાની ટીમ વિજેતા રહી હતી.

82 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી શ્રીલંકાને ટીમને ફક્ત 12 રને અવિશ્કા ફર્નાન્ડોની વિકેટનો ઝટકો લાગ્યો હતો, તે રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. એ પછી ચહરે મિનોદ ભાનુકાને પેવેલિયન ભેગો કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શ્રીલંકાએ સમરવિક્રમાની ત્રીજી વિકેટ ગુમાવી તે પણ રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. ભારતીય ઈનિંગમાં કેપ્ટન શિખર ધવન ઈનિગંના ચોથા જ બોલે શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. તે પછી દેવદત્ત પડિક્કલ રન આઉટ થયો હતો. કુલદીપ યાદવ 23 રન કરી અણનમ રહ્યો હતો, જે ભારતની ઈનિંગનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.
બીજી ટી-20માં રસાકસી પછી શ્રીલંકાનો 4 વિકેટે વિજય

શ્રીલંકાએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બીજી ટી-20 મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. અસલ કાર્યક્રમ મુજબ મંગળવારે (27 જુલાઈ) નિર્ધારિત આ મેચ ભારતીય ખેલાડી કૃણાલ પંડ્યાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં એક દિવસ પાછી ઠેલાઈ હતી અને તે બુધવારે રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. ભારતે પાંચ વિકેટે 132 રન કર્યા હતા, તેના જવાબમાં શ્રીલંકાએ ફક્ત બે બોલ બાકી હતા ત્યારે 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી હતી અને સાત ઓવરમાં 49 રન કર્યા પછી પહેલી વિકેટ ગુમાવી હતી. પણ એ પછી ટીમની બેટિંગ ખાસ પ્રભાવશાળી રહી નહોતી અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી.

તે ઉપરાંત, ટીમમાં યુવાન અને પ્રમાણમાં બિનઅનુભવી બેટ્સમેનની સંખ્યા મોટી હોવાના કારણે એકંદરે ટીમ સાત રનથી ઓછી સરેરાશથી જ બેટિંગ કરી શકી હતી. શિખર ધવનના 40 રન ભારતનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. રૂતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિક્કલ કંઈ ખાસ કરી શક્યા નહોતા, તો સંજુ સેમસન તો બે આંકડે પણ નહોતો પહોંચી શક્યો. અકિલા ધનંજયે શ્રીલંકા તરફથી 29 રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે ચમીરા, હસરંગા અને શનાકાએ એક-એક વિકેટ લીધી હતી. 133 રનના ટાર્ગેટ સાથે મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ફર્નાન્ડો 11 રન કરી ઈનિંગની ત્રીજી ઓવરમાં ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ પાવરપ્લેમાં 1 વિકેટે 36 રન કર્યા હતા.

ભારતના સ્પિનર્સે પાવરપ્લે પછી તરખાટ મચાવ્યો હતો. વરૂણ ચક્રવર્તીએ સમિરાવિક્રમાની અને પછી કુલદીપ યાદવે દસુન શનાકા તથા મિનોદ ભાનુકાની વિકેટ ખેરવી હતી. એ પછી ધનંજય ડીસિલ્વાએ એક છેડો સાચવી લઈ અણનમ 40 કર્યા હતા અને છેલ્લી ઓવરમાં ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો. તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.