અમેરિકામાં 2024માં યોજાનારી ચૂંટણી માટે પ્રેસિડેન્ટપદની દાવેદારી કરનાર ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, ચીન અમેરિકા માટે સૌથી ખતરારૂપ છે, અને તેઓ પ્રેસિડેન્ટપદે ચૂંટાશે તો ચીન સાથેના તમામ સંબંધોનો અંત લાવશે.
ફોક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, “શી જિનપિંગ એક સરમુખત્યાર છે અને અમેરિકા માટે ચીન સૌથી વધુ જોખમી છે. હું માનું છું કે, ચીનથી આર્થિક આઝાદીની જાહેરાત માટે સ્પષ્ટ માર્ગ અપનાવનાર સૌથી સ્પષ્ટ ઉમેદવાર છું. અમારી નીતિની આ પ્રથમ પગલું હશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સીસીપી (ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી) તેની નીતિમાં સુધારો નહીં કરે ત્યાં સુધી હું ચીન સાથે બિઝનેસ પર પ્રતિબંધ લાદીશ. મને લાગે છે કે, તેના પરિણામો ટૂંકાગાળાના હશે, પરંતુ આપણે પરિસ્થિતિ જાણતા હોઇએ તો બલિદાન આપવું પડશે. આપણે જાપાન, સાઉથ કોરિયા, ફિલિપાઇન્સ, ભારત, થાઇલેન્ડ, વિયેતનામ, બ્રાઝિલ સાથે વ્યાપારિક સંબંધો રાખવા જોઇએ, જે સૌથી યોગ્ય રહેશે.