અમદાવાદમાં ઓગણજ ખાતે 2023માં બીએપીએસ દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. તે અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ દ્વારા સંશોધન અભ્યાસ હાથ ધરાયો હતો. આ કેસ સ્ટડીના મુદ્દામાં ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માત્ર 9 મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું, સતત 35 દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો વિશે માહિતી મેળવવામાં આવી હતી અને આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન વિશે કેવી રીતે કરવામાં આવ્યું તે અંગે માહિતી એકઠી કરવામાં આવી હતી. મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા ૬૦૦ એકરના અભૂતપૂર્વ ‘નગર’ના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને સ્ટડીમાં વિગતવાર રીતે સમજાવવામાં આવી છે.
BAPSના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ૨૮ નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM(અમદાવાદ)ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે.
IIMના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું સંયોજન પ્રસ્તુત થયું છે. તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ, લોજિસ્ટિક્સ, સસ્ટેનીબીલીટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેક્નોલોજીની ભૂમિકાને પણ આલેખી છે.
આ પહેલ એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે. પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભમેળા ઉપર કેસ સ્ટડી તૈયાર કરી તેને મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. તે રીતે હવે વિશ્વવિખ્યાત પ્રબંધન શાખા IIM અમદાવાદ, ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ને મેનેજમેન્ટની નજરથી દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે. જે આવનારા ભવિષ્યમાં વિશાળ કદના કોઇ પણ ક્ષેત્રના પ્રોજેકટ માટે એક આદર્શ મૉડેલરૂપ નીવડી શકે તેમ છે.