અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)નું બિલ્ડિંગ (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થા આઈઆઈએમ અમદાવાદના લુઈસ કાનને ડિઝાઇન કરેલી ડોર્મિટરી તોડી પાડવાના વિવાદાસ્પદ નિર્ણય સામે હવે એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદે તેની 18માંથી 14 ડોર્મિટરી તોડીને નવેસરથી નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. જાણીતા આર્કિટેક્ટ અને પુલિત્ઝર આર્કિટેક્ચર એવોર્ડ વિજેતા બાલક્રિષ્ના દોશીએ આ વિવાદાસ્પદ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. બીજા કેટલાંક આર્કિટેક્ટ, કલાકારો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે.

બિલ્ડિંગની ડિઝાઈન તૈયાર કરનારા વિશ્વવિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ લુઈસ કાનના સંતાનોએ પત્ર લખી વિરોધ નોંધાવ્યા બાદ આઈઆઈએમ અમદાવાદના વિવિધ બેંચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ડિરેકટર અને ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેનને પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને પણ પત્ર લખી બિલ્ડીંગો તોડવાના નિર્ણયની આકરી ટીકા કરી છે.

આઈઆઈએમ-અમદાવાદ વિશ્વની ટોપ મેનેજમેન્ટ સંસ્થા ગણવામા આવે છે. જોકે આ ટોપ બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલ દ્વારા જ પ્લાનિંગમાં મોટું મિસ મેનેજમેન્ટ થયુ હોય તેવી ચર્ચાઓ ઉઠી છે. ડિરેકટરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પત્ર લખી નિર્ણય અંગે જાણ કર્યા બાદ હવે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ સંસ્થાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વિવિધ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ ડિરેકટર સહિત ઈન્સ્ટિટયુટના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પત્ર લખી ફરિયાદ કરી છે કે એલ્યુમની એ ઈન્સ્ટિટયુટના મેઈન સ્ટેક હોલ્ડર છે અને વૈશ્વિક સ્તરે મેનેજમેન્ટ સંસ્થાને પ્રમોટ કરવામા એલ્યુમનીનું મોટું યોગદાન છે, છતાં એલ્યુમની સાથે ચર્ચા કર્યા પહેલા જ કેમ બિલ્ડીંગો તોડવાનો નિર્ણય લેવાયો ? આઈઆઈએમ અમદાવાદ અમારા માટે ગર્વ અને પ્રેરણાદાયક છે ત્યારે હેરિટેજ બિલ્ડીંગો તોડવાનો નિર્ણય અમારા આઘાતજનક અને દુઃખદાયક છે.