પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં પ્રમુખ જો બાઈડેનનું વહીવટીતંત્ર કાયદેસરના ઈમિગ્રન્ટ્સના બાળકોને નાગરિક્તા આપવા માટે કાયદાકીય રસ્તો કાઢવા પગલાં લઈ રહ્યું છે. બાળ અથવા સગીર વયે કાયેદસર રીતે અમેરિકામાં પ્રવેશનારા અંદાજે ૨,૦૦,૦૦૦થી વધુ ભારતીયો સહિતના ઈમિગ્રન્ટ્સને પુખ્ત ઉંમરના થવાની સાથે વતન પરત મોકલી દેવાશે તેવો ડર સતાવી રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ ચેક સાકીએ બાળકો ખાસ કરીને ભારતના બાળકોના એક વર્ગમાં આ અંગે પેદા થયેલા ડર અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, બાઈડેન તંત્ર આવા બાળકોને ગ્રીન કાર્ડ આપવા કાયદાકીય ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવા પ્રયાસ કરી રહ્યું છે.

ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ તરીકે ઓળખાતા આ બાળકો અથવા સગીરો એચ-૧બી વર્કર્સ સહિતના લાંબા સમયના નોન-ઈમિગ્રન્ટ વિઝાધારકોના આશ્રિત તરીકે અમેરિકામાં રહે છે. અમેરિકાના કાયદા મુજબ ૨૧ વર્ષની વય પછી બાળકો તેમના માતા-પિતા પર આશ્રિત નથી હોતા, જેને પગલે સેંકડો ઈમિગ્રન્ટ્સને વતન પરત મોકલી દેવાનો ડર સતાવી રહ્યો છે. આવા બાળકોનનું પ્રતિનિધિત્વ કરતા જૂથ ‘ઈમ્પ્રુવ ધ ડ્રીમ’ મુજબ અમેરિકામાં આવા બાળકો અથવા સગીરો ભારતીયોની સંખ્યા બે લાખથી વધુ છે.

સાકીએ જણાવ્યું કે, લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા આવા બાળકોને નાગરિક્તા આપવા માટે કાયદાકીય રસ્તો કાઢવામાં આવે તે માટે અમે પગલાં લઈ રહ્યા છીએ. વિશેષરૂપે પરિવારના સભ્ય તરીકે અમેરિકા આવેલા બાળકોને નાગરિક્તા આપવા અંગે બાઈડેન તંત્ર વિચારણા કરી રહ્યું છે. વ્હાઈટ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, પ્રમુખ જો બાઈડેનનું વલણ એકદમ સ્પષ્ટ છે કે અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં સુધારાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે, તેમાં વિઝા પ્રક્રિયામાં સુધારાનો સમાવેશ થાય છે. કોંગ્રેસને મોકલવામાં આવેલા ઈમિગ્રેશન બિલમાં તેમનું વલણ સ્પષ્ટ છે. તેમાં પાછલી અરજીઓ પર નિર્ણય લેવો, ગ્રીન કાર્ડ માટે રાહ જોવાનો લાંબો સમય ઘટાડવો અને દરેક દેશનો વિઝા ક્વોટા વધારીને પરિવાર આધારિત ઈમિગ્રેશન વ્યવસ્થામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. આ બિલ એચ-૧બી વિઝા ધારકો પર નિર્ભર લોકોને કામ કરવાનો અધિકાર આપે છે અને બાળકોને યુવાન થયા પછી આ વ્યવસ્થામાંથી બહાર કરતાં રોકશે.

જૂન મહિનામાં કોંગ્રેસ મહિલા ડેબોરાહ રોસ અને અમિ બેરાના નેતૃત્વમાં સાંસદોના એક જૂથે હોમલેન્ડ સિક્યોરિટી ડીપાર્ટમેન્ટના સચિવ મેયોર્કાસને લાંબા સમયના વર્ક વિઝા ધારકોના આશ્રિતો તરીકે અમેરિકામાં ઉછરેલા બાળકો અને સગીરો માટે સંરક્ષણ વધારવાની ભલામણ કરી હતી. આ પત્રમાં ડીફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઈવલ્સ (ડીએસીએ) માપદંડોમાં ‘ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ’નો સમાવેશ કરવા ભલામણ કરાઈ હતી.