લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી. જસ્ટિસ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આ વર્ષે માર્ચમાં બળી ગયેલી રોકડ નોટોનો મોટો ઢગલા મળી આવ્યો હતો. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ એમએમ શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ બીવી આચાર્યનો સમાવેશ થાય છે.
સ્પીકર બિરલાએ ૧૪૬ સંસદ સભ્યોના હસ્તાક્ષર સાથેના જસ્ટિસ વર્મા વિરુદ્ધની મહાભિયોગ દરખાસ્તનો પણ સ્વીકાર કર્યો હતો. બિરલાએ જણાવ્યું હતું કે જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. સંસદ ભ્રષ્ટાચાર સામે એકજૂથ છે. અમે મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો છે… લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.
જસ્ટિસ વર્મા સ્વતંત્ર ભારતમાં પદ પરથી હટાવવામાં આવનારા પ્રથમ હાઈકોર્ટના ન્યાયાધીશ બનશે. તેમની સામે બંધારણની કલમ ૧૨૪, ૨૧૭ અને ૨૧૮ હેઠળ સંસદ દ્વારા તપાસ થશે.
ત્રણ સભ્યોની સમિતિને પુરાવા મંગાવવાની અને સાક્ષીઓની તપાસ કરવાની સત્તા છે. સમિતિ તેનો અહેવાલ લોકસભા સ્પીકરને સુપરત કરશે, જે તેને ગૃહ સમક્ષ રજૂ કરશે. જો ન્યાયાધીશ દોષિત ઠરશે, તો તેમની સામેના મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન થશે. આ પછી રાજ્યસભામાં પણ તેમની સામે આ દરખાસ્ત પર મતદાન થશે. આ પછી દરખાસ્તને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે માર્ચમાં દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ વર્માના નિવાસસ્થાને આગની ઘટના બાદ તેમના આઉટહાઉસમાંથી બળી ગયેલા ચલણી નોટોનો મોટા જથ્થા મળી આવ્યા હતા. ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નિયુક્ત કરેલી ત્રણ ઉચ્ચ ન્યાયાધીશોની સમિતિએ વર્માના દોષિત ઠેરવ્યાં હતાં. જોકે વર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
