અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની લડાયક પાંખ માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યાં હતાં. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની વોશિંગ્ટન મુલાકાત પછી અમેરિકાએ વધુ એક પાકિસ્તાન તરફી નિર્ણય કર્યો હતો. કારણ કે આ સંગઠન બલૂચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરવાની લડાઈ લડી રહ્યું છે.
બલૂચ લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે વધતાં જતાં અસંતોષ વચ્ચે 2000ના દાયકાની BLAની સ્થાપના કરાઈ હતી. ગેસ, કોલસો અને ખનિજો જેવા કુદરતી સંસાધનોથી સમૃદ્ધ બલૂચિસ્તાન પ્રદેશ લાંબા સમયથી તણાવનું સ્થળ રહ્યો છે, કારણ કે ઘણા બલૂચ કાર્યકરો અને આદિવાસીઓ સરકાર પર સ્થાનિક સમુદાયોને પૂરતા લાભો આપ્યા વિના પ્રાંતની સંપત્તિનું શોષણ કરવાનો આરોપ લગાવે છે.
અમેરિકી વિદેશ વિભાગના પત્રમાં BLAની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમેરિકાની આ જાહેરાતથી BLAને વૈશ્વિક સ્તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે. અમેરિકી કાયદા હેઠળ, હવે કોઈપણ વ્યક્તિ કે સંગઠન BLA ને આર્થિક કે ટેકનોલોજિકલ મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આનાથી BLA નું નેટવર્ક નબળું પડશે.
