(ANI Photo/Shrikant Singh)

લોકસભાની ચૂંટણીમાં ભાજપને લડત આપવા માટે એકજૂથ થયેલા વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને પક્ષો વચ્ચે અંદરોઅંદાર લડાઈ ચાલુ થઈ છે. પશ્ચિમ બંગાળ અને પંજાબના મુખ્યપ્રધાનોએ બુધવારે  કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં બેઠક વહેંચણી અંગે ખેંચતાણ વચ્ચે ટીએમસી અને AAPની આ જાહેરાતથી કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ હતી. બીજી તરફ ભાજપે આ જાહેરાતને ઇન્ડિયા ગઠબંધન માટે મૃત્યુઘંટ સમાન ગણાવી હતી અને એનસીપીએ તેને એક વ્યૂહરચના ગણાવી હતી.

પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશના એક દિવસ પહેલા મમતાએ કોંગ્રેસને આ ઝટકો આપ્યો હતો. હાવડા જિલ્લાના ડુમુર્જલા હેલિપેડ ખાતે પત્રકારોને ટીએમસી સુપ્રીમોએ જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસને બેઠક વહેંચણી અંગે એક દરખાસ્ત કરી હતી, પરંતુ કોંગ્રેસે શરૂઆતમાં જ તેનો ઇનકાર કરી દીધો હતો. અમારી પાર્ટીએ હવે બંગાળમાં એકલા ચલોનો નિર્ણય કર્યો છે. હવે અમે નિર્ણય કર્યો છે કે બંગાળમાં કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નહીં હોય.

અહીં ઉલ્લેખનીય છે કે લોકસભામાં ભાજપનો સામનો કરવા માટે કુલ 28 પક્ષોએ એકજૂથ થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીએ 2019ની લોકસભા ચૂંટણીના પ્રદર્શનના આધારે કોંગ્રેસને માત્ર બે બેઠકોની ઓફર કરી હતી, જે કોંગ્રેસને સ્વીકાર્ય ન હતી. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં TMCને 22 અને કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 18 બેઠકો મળી હતી.

મમતા બેનર્જીની આ અણધારી જાહેરાતથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મમતા બેનર્જી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના થઈ શકે નહીં અને મમતાની પાર્ટી વિપક્ષી ગઠબંધનનો “મહત્વપૂર્ણ આધારસ્તંભ” છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ થયેલા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે અમે મમતાજી વગર ઇન્ડિયા બ્લોકની કલ્પના કરી શકતા નથી. ઇન્ડિયા બ્લોક પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી લડશે અને તમામ ભાગીદારો સામેલ થશે. બેનર્જીએ કહ્યું છે કે ભાજપને હરાવવો તે આપણા બધાની પ્રાથમિકતા અને મુખ્ય જવાબદારી છે. આ ભાવના સાથે અમારી ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે.

ચંદીગઢમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણ કરશે નહીં અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 13 બેઠકો પર વિજયી બનશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બેઠક વહેંચણીની વાટાઘાટો કરી રહી છે ત્યારે ભગવંત માને આ જાહેરાત કરી દીધી હતી.

ટીએમસી અને કોંગ્રેસ બેઠક વહેંચણી માટે વાટાઘાટ કરી રહ્યા હોવાના અહેવાલોને નકારી કાઢતા મમતા બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે કોંગ્રેસમાં કોઈની સાથે વાતચીત કરી નથી. કોંગ્રેસને પોતાના દમ પર દેશમાં 300 બેઠકો પર લડવા દો. પ્રાદેશિક પક્ષો એકજૂથ છે અને બાકીની ચૂંટણી લડી શકે છે. જોકે અમે બંગાળમાં કોંગ્રેસની કોઈપણ દખલ સહન કરીશું નહીં. ચૂંટણી પૂરી થયા પછી ટીએમસી રાષ્ટ્રીય સ્તરે તેની વ્યૂહરચના તૈયાર કરશે.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી હોવા અંગેની માહિતી ન આપવા બદલ સખત નારાજગી વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે સૌજન્યના સંકેત તરીકે કોંગ્રેસે રાહુલની યાત્રા બંગાળમાં આવી રહી હોવાની જાણ કરી નથી. મને તેની કોઇ જાણ નથી. ટીએમસીના ટીકાકાર અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર ચૌધરીએ જણાવ્યું હતું કે તે બંગાળના શાસક પક્ષ પાસે બેઠકોની “ભીખ માંગશે નહીં”

LEAVE A REPLY

twenty − eleven =