ભારતમાં સોનાની માગ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિકગાળામાં 10 ટકા વધીને 210.2 ટન પર પહોંચી હતી. સોનાના ભાવ નીચે જતા અને તહેવારોની સિઝનને કારણે માગ વધી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ તાજેતરમાં આ આંકડા જાહેર કર્યા હતા. કાઉન્સિલના ઈન્ડિયા રિજનના સીઈઓ સોમસુંદરમ પીઆરે કહ્યું હતું કે, અગાઉના ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ નીચા રહ્યા હતા, પરંતુ હવે ફરીથી તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. ધનતેરસ દરમિયાન અને આવનારા બે મહિનામાં લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવ કેવા રહે છે તેના પર માગનો આધાર રહેશે. વેપારીઓનો પ્રતિભાવ એવો છે કે ગ્રાહકોએ 10 ગ્રામ સોનાના ભાવ રૂ. 60,000 સ્વીકારી લીધા છે, આથી તેની નીચે ભાવ જશે તો માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

કાઉન્સિલે કહ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સોનાની માગ 10 ટકા વધીને 210.2 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 191.7 ટન હતી. જ્વેલરીની માગ 7 ટકા વધીને 155.7 ટન રહી હતી, જે ગત વર્ષે આ ગાળામાં 146.2 ટન હતી. બાર (લગડી) અને કોઈન (સિક્કા)ની માગ 20 ટકા વધીને 54.5 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 45.4 ટન હતી. બાર અને કોઈનની માગ 2015 પછીથી સૌથી વધુ આ ક્વાર્ટરમાં જોવા મળી હતી. આ ક્વાર્ટરમાં સોનાની આયાત વધીને 220 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 184.5 ટન હતી.
જુલાઈમાં અધિક માસને કારણે નરમ માંગ પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં માગ વધી હતી. આ મહિનાઓમાં ઓણમ સહિતના તહેવારો આવ્યા હતા. 18 કેરેટ અને 14 કેરેટ સોનાની માગ વધી હતી. તેમાં વેપારીઓના માર્જિન પણ સારા હોવાથી તેમને ફાયદો થયો હતો. કાઉન્સિલના મતે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દિવાળી સહિતના તહેવારો અને ત્યાર પછી લગ્નની સિઝન હોવાથી માંગ સપ્ટેમ્બર ક્વાર્ટર જેવી રહેશે.

LEAVE A REPLY

one + 6 =