પાકિસ્તાનમાં શનિવારે સવારે મોટો ત્રાસવાદી હુમલો થયો હતો. ઘણા ત્રાસવાદીઓએ મિયાંવાલી એરબેઝ પર હુમલો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ અંગેના મીડિયા રીપોર્ટસ મુજબ કથિત અજાણ્યા બંદૂકધારીઓએ મિયાવાલીમાં પાકિસ્તાની એરફોર્સના ટ્રેનિંગ બેઝ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક જાનહાનિ થયાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલીમાં એરબેઝ પર ઘણા ‘આત્મઘાતી બોમ્બર્સ’એ હુમલો કર્યો હતો. પાકિસ્તાન એરફોર્સ (PAF)એ કહ્યું કે, તેમણે ગોળીબારમાં તમામ નવ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા.

આ હુમલા પછી મિયાંવાલી એરબેઝ પર પરિસ્થિતિની માહિતી ધરાવતા લોકોએ જણાવ્યું કે હુમલામાં ઘણા ફાઇટર પ્લેનને નુકસાન થયું છે. કહેવાય છે કે, ભારે હથિયારોથી સજ્જ નવ લોકોના જૂથે વહેલી સવારે હુમલો કર્યો, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો. હુમલાની પુષ્ટિ કરતા PAFએ કહ્યું કે ત્રાસવાદીઓ એરબેઝમાં પ્રવેશ કરે તે પહેલા તેમણે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કરવા માટે એક વિશાળ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં એરફોર્સ બેઝની અંદર પાર્ક કરેલા ઘણા વિમાનો નાશ પામ્યા હતા. જોકે, પાકિસ્તાની સેનાએ કહ્યું કે PAFના કોઈપણ વિમાનને કોઈ નુકસાન થયું નથી. આતંકવાદી હુમલા દરમિયાન ત્રણ એરક્રાફ્ટ પહેલેથી જ સેવામાંથી બહાર હતા. પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથ તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP) એ હુમલાની જવાબદારી લીધી છે.

 

LEAVE A REPLY

twenty + fourteen =