ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજા વુમેન ઇન્ટરનેશન મેચમાં વિજયી ફટકો માર્યા બાદ ભારતી ટીમની કેપ્ટન મિતાલી રાજે ઉજવણી કરી હતી. (Photo by Ryan Pierse/Getty Images)

હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં શનિવારે વોર્સેસ્ટર ખાતે ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી શ્રેણીમાં વ્હાઈટ વોશ થતો અટકાવ્યો હતો. અગાઉની બન્ને મેચમાં વિજય સાથે ઈંગ્લેન્ડ સીરીઝ તો જીતી જ ગયું હતું.

શનિવારની છેલ્લી મેચમાં વરસાદના વિધ્નના પગલે મેચ ટુંકાવીને 47 ઓવર્સની કરાઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 219 રન કર્યા હતા. સુકાની હીથર નાઈટના 46 અને નેટ સ્કિવરના 49 મુખ્ય સ્કોર હતા, તો ભારત તરફથી દિપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી.

જવાબમાં ભારત વતી ઓપનર સ્મૃતિ મંધાનાએ 49 અને સુકાની મિતાલી રાજે અણનમ 75 રન સાથે ત્રણ બોલ બાકી હતા ત્યારે જ 220 રનનો ટાર્ગેટ હાંસલ કરી ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. મિતાલી રાજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી. ઈગ્લેન્ડની સોફી એસેલટોન પ્લેયર ઓફ ધી સિરિઝ રહી હતી.

અગાઉની ટોન્ટનમાં રમાયેલી બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો પાંચ વિકેટે વિજય થયો હતો. ભારતે કેપ્ટન મિતાલી રાજના ૫૯ અને શેફાલી વર્માના ૪૪ સાથે ૨૨૧ રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટ ૨૨૫ રન કરી મેચ અને શ્રેણી જીતી લીધા હતા. તે પહેલા બ્રિસ્ટોલમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે 8 વિકેટે 201 રન કર્યા હતા, તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત બે વિકેટે અને તે પણ 34.5 ઓવર્સમાં 202 રનનો ટાર્ગેટ હાંસલ કરી લઈ આઠ વિકેટે વિજેતા રહી હતી.