યુકે સરકારે શુક્રવારે જાહેર કરેલા નવા આંકડા અનુસાર ભારત 2019માં યુ.કે.માં 120 પ્રોજેક્ટ્સમાં રોકાણ દ્વારા 5,429 જેટલી નવી રોજગારી ઉભી કરીને યુએસ પછી યુકેમાં સીધુ રોકાણ કરનાર સૌથી મોટુ બીજા નંબરનું સ્રોત (એફડીઆઈ) બની ગયું હતું.

ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે બહાર પાડેલા આંકડા મુજબ વર્ષ 2019-20માં ભારત કુલ 4 ટકાની એફડીઆઈ વૃદ્ધિ કરી ત્રીજા નંબર પરથી બીજા ક્રમે આવ્યું હતું. ભારતે 1,852 નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. 462 પ્રોજેક્ટ્સ અને 20,131 નોકરીઓ પૂરી પાડનાર યુએસ એફડીઆઈમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ભારત, જર્મની, ફ્રાન્સ, ચીન અને હોંગકોંગ આવે છે. ગયા વર્ષે ભારતીય પ્રોજેક્ટ્સની સંખ્યા 106 હતી અને 4,858 લોકોને રોજગાર પૂરો પાડતા હતા.

યુકેના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝે ટ્રસે વાર્ષિક ઈન્ડિયા ગ્લોબલ વીક 2020 વર્ચુઅલ સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “COVID-19 કટોકટી દરમિયાન, અમે ભારત સાથે પુરવઠાની ચેન ખુલ્લી રાખવા અને વેપારના માર્ગોને જીવંત રાખવા માટે કામ કરી રહ્યા છીએ.’’

યુકેના નવીનતમ એફડીઆઇ આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણના સીધા પરિણામ રૂપે નવી નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે – આ વર્ષે અન્ય એફડીઆઈ અહેવાલોમાં જોવા મળ્યા મુજબ વૈશ્વિક વલણ – એફડીઆઈ દ્વારા સુરક્ષિત નોકરીઓની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે.

ટ્રસે ઉમેર્યું હતું કે એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, લાઇફ સાયન્સ અને રીન્યુએબલ એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રોનો વિકાસ આપણને રોગચાળા પછીના વિકાસમાં મદદ કરશે અને વિશ્વભરના રોકાણકારો માટે યુકેમાં અમારા આકર્ષક વ્યવસાયિક વાતાવરણને વિકસાવવામાં મદદ કરશે.