• અમિત રોય દ્વારા

ભારતને રેડ લીસ્ટ દેશોની યાદીમાંથી એંબર લીસ્ટ દેશોની યાદીમાં ખસેડવાનો યુકે સરકારનો નિર્ણય યુકે-ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અને બિઝનેસને મદદ કરશે. પરંતુ બન્ને દેશો વચ્ચેના અવરોધો ઘટાડવા માટે યુકે સરકારે હજુ વધારે પગલા લેવાની જરૂર છે એમ બિઝનેસ લીડર્સ અને અગ્રણી રાજકારણીઓએ જણાવ્યું હતું.

યુકે ટ્રેકર રિપોર્ટ દ્વારા યુકે સ્થિત ભારતીય કંપનીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખતા ગ્રાન્ટ થોર્ન્ટન યુકેના સાઉથ એશિયા ગ્રુપના વડા શ્રી અનુજ ચાંદેએ જણાવ્યું હતું કે “બે દેશો વચ્ચે વેપાર માટે એમ્બર લીસ્ટ તરફ જવાનું યુકે સરકારનું પગલું સકારાત્મક પગલું છે – પરંતુ સંપૂર્ણ રીતે નહીં.’’

ચાંદેએ ભારતને રેડથી એમ્બર લીસ્ટ તરફ લઈ જવાના ગુણદોષનું વિશ્લેષણ કરતાં કહ્યું હતું કે ‘’જ્યાં સુધી ભારત એમ્બર લીસ્ટમાં રહેશે ત્યાં સુધી ભારત સાથે વેપાર કરવામાં અવરોધો રહેશે. ગઈકાલે હું એક બ્રિટિશ ભારતીય બિઝનેસવુમન સાથે વાત કરતો હતો જેમણે બિઝનેસ માટે ભારત જવાનું બંધ કરાયું હોવાથી નિરાશા વ્યક્ત કરી હતી. પણ હવે તેમને પરત આવશે ત્યારે કોવરેન્ટાઇન થવું નહિં પડે કેમ કે તેમને યુકેના રસીકરણ કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ રસી આપવામાં આવી છે. જોકે, અહીં આવતા ભારતીય નાગરિકોને રેડથી એમ્બર લીસ્ટમાં ગયું હોવા છતાં યુકે આવી ઘરે અથવા તેમની હોટલમાં ક્વોરેન્ટાઇન થવું પડશે, પછી ભલે તેમણે ભારતમાં ડબલ રસી લીધી હોય. આને કારણે લોકો યુકે આવી શકશે નહિં. તેમને માટે જરૂરી મીટીંગ કરવામાં કે બિઝનેસ કરવામાં તકલીફ પડશે.’’

શ્રી ચાંદેએ જણાવ્યું હતું કે “આજે આપણે બધા ડિજિટલ વિશ્વનો ઉપયોગ કરીએ છીએ અને ગ્રાન્ટ થોર્ન્ટન ખાતે, અમે હજી પણ ભારત અને યુકે વચ્ચેના બિઝનેસની પ્રગતિ જોઈ રહ્યા છીએ, જેમાં મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.”

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ‘’મુસાફરીની યાદીમાં ફેરફાર નવીનતમ ડેટા અને નિષ્ણાત જાહેર આરોગ્ય સલાહ પર આધારિત છે”.

દરમિયાન, ઇલિંગ સાઉથૉલના લેબર એમપી વીરેન્દ્ર શર્માએ આરોપ લગાવ્યો હતો કે 23 એપ્રિલે ભારતને રેડ લીસ્ટમાં મૂકવામાં આવ્યું ત્યારે બ્રિટિશ ભારતીયો સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે વડા પ્રધાન બોરિસ જૉન્સનને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો અને £1,750 ના ખર્ચે હોટલમાં 10 દિવસ માટે ફરજીયાત હોટેલ ક્વોરેન્ટાઇન કરવા સામે સવાલ ઉઠાવ્યા હતા.

શર્માએ કહ્યું હતું કે ‘’મારા 35 ટકા મતદારો ભારતીય મૂળના છે, પરંતુ મને દેશના દરેક ભાગમાંથી ઇમેઇલ મળ્યા છે. હું યુકેમાં રહેતા દરેક ભારતીયનું પ્રતિનિધિત્વ કરું છું. ભારતને રેડ લીસ્ટમાં મુકાતા ઘણા લોકો ભારતમાં ફસાયા હતા. તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મારું ઘર જ હીથરોથી પાંચ માઇલ દૂર હોય ત્યારે £1,750ના ખર્ચે હોટલોમાં ક્વોરેન્ટાઇન શા માટે થવું જોઈએ? ભારતથી આવતા વિદ્યાર્થીઓની હાલત પણ એટલી જ દુ:ખદાયક હતી. કેમ કે તેમણે પહેલાથી જ રહેવા માટે ઘરના ભાડા ભર્યા હતા અને પછી હોટલોમાં ક્વોરેન્ટાઇન થવાનું કહેવાયું હતું. આ આખી ગોઠવણ પૈસા કમાવવાની કવાયત હતી. તે એક કૌભાંડ હતું.”

અત્રે ઉલ્લેખનીય છે કે લંડનની મુલાકાત દરમિયાન ભારતના ફોરેન સેક્રેટરી હર્ષવર્ધન શ્રિંગલા તરફથી ભારતને રેડ લીસ્ટમાંથી હટાવવાનું દબાણ કરાયું હતું.

ડેલ્ટા વેરિયન્ટનો ચેપ યુકેભરમાં ફેલાયા બાદ પાર્લામેન્ટ હોમ અફેર્સ કમિટીના અધ્યક્ષ અને લેબર એમપી ઇવેટ કૂપરે ભારતને રેડ લીસ્ટમાં મૂકવામાં વિલંબની ટીકા કરી હતી. તેમણે ભારતથી પરત ફરેલા હજારો લોકો ડેલ્ટા વેરિયન્ટ લાવ્યા હોવાનો આક્ષપ કર્યો હતો.