પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એક ટ્રાવેલ એજન્સીના વડાએ કોવિડ-19 રોગચાળામાંથી બહાર આવવાના વૈશ્વિક પ્રયાસોના ભાગરૂપે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે યુકે સરકારને અન્ય દેશો સાથે સહયોગ કરવા વિનંતી કરી છે.

બ્રાઇટસન ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર દીપક નાંગલાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’સત્તાવાળાઓએ મુસાફરી માટે વૈશ્વિક નિયમો બનાવવા માટે અન્ય રાષ્ટ્રો સાથે મળીને કામ કરવું જોઈએ. એક આંતરરાષ્ટ્રીય મોબાઇલ એપ બનાવવું જોઇએ જેમાં લોકો તેમની રસીકરણની સ્થિતિ, પીસીઆર ટેસ્ટ રીઝલ્ટ, ફિટ ટુ ફ્લાય સર્ટિફિકેટ અને ટ્રાવેલ વિઝાના માહિતી અપલોડ કરી શકે છે. આજ રીતે વૈશ્વિક વેક્સીન પાસપોર્ટ કાર્યક્રમ દરેક દેશની સરકારને મદદ કરી શકે છે. વધુમાં, પીસીઆર ટેસ્ટ્સ અને ખર્ચને પ્રમાણિત કરવાની પણ જરૂર છે. પીસીઆર ટેસ્ટનો ખર્ચ કેટલાક દેશોમાં £5 તો અન્યમાં £100 છે. આ પ્રશ્નોના હલ બાદ ક્વેરોન્ટાઇન સમયગાળો, ટ્રાવેલ વીમા વગેરેને હલ કરાશે.”

નાંગલાએ કહ્યું હતું કે ‘’અમારી કંપનીએ તેના 34 વર્ષના ઇતિહાસમાં જે પડકારોનો સામનો કર્યો છે તેમાં આ વર્ષ સૌથી વિનાશક રહ્યું છે. આર્થિક મંદી, 9/11 આતંકવાદી હુમલાઓ અને વિવિધ સંઘર્ષોની અસર બે મહિનાની હતી. પરંતુ રોગચાળો 2023ના અંત સુધી અસર કરે તેવી શક્યતા છે.”