પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાન સામે વધુ કાર્યવાહી કરતાં ભારતે પાકિસ્તાનમાંથી થતી આયાત પર તાકીદની અસરથી શનિવારે પ્રતિબંધ મૂક્યો હતો. ભારતીય પોર્ટ્સ પર પાકિસ્તાની જહાજોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પડોશી દેશથી હવાઈ અને જમીન માર્ગે ટપાલો, પાર્સલની આપ-લે પણ સ્થગિત કરી દીધી હતી. પાકિસ્તાનને પણ વળતા પગલાં રૂપે પાકિસ્તાની પોર્ટસ પર ભારતીય જહાજોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો.

પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાને શનિવારે મોડી રાત્રે આદેશ આપ્યો હતો કે કોઈપણ ભારતીય ધ્વજવાહક જહાજોને કોઈપણ પાકિસ્તાની બંદરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ભારત સરકારના આદેશ મુજબ, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના આધારે પાકિસ્તાનથી તમામ માલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.પુલવામા હુમલા પછી 2019માં પાકિસ્તાની માલ પર લાદવામાં આવેલી 200 ટકા આયાત જકાતને કારણે સીધી આયાત લગભગ બંધ થઈ ગઈ હતી, પરંતુ તાજેતરના નિર્ણયથી ત્રીજા દેશોમાંથી આવતા પાકિસ્તાની માલના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એપ્રિલ-જાન્યુઆરી 2024-25માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 447.65 મિલિયન ડોલર રહી હતી, જ્યારે આયાત માત્ર 0.42 મિલિયન હતી. આ આયાત અંજીર (78,000 ડોલર), તુલસી અને રોઝમેરી જડીબુટ્ટીઓ (18,856 ડોલર), ચોક્કસ રસાયણો અને હિમાલયન ગુલાબી મીઠું (સેંઘા નમક) જેવી વસ્તુઓ પૂરતી મર્યાદિત હતી. 2023-24માં આયાત 2.88 મિલિયન ડોલર હતી.

ભારતના નિર્ણય પર ટિપ્પણી કરતા, થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાની માલ પર નિર્ભર નથી, તેથી આ નિર્ણયની આર્થિક અસર ઘણી ઓછી હશે. જોકે પાકિસ્તાનને હજુ પણ ભારતીય પ્રોડક્ટ્સ જરૂર છે અને તે રેકોર્ડેડ અને અનરેકોર્ડેડ રૂટ દ્વારા ત્રીજા દેશોમાંથી આયાત કરી શકે છે. પાકિસ્તાનથી ભારત આયાત હવે શૂન્ય થઈ જશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) ના જણાવ્યા અનુસાર, ભારતે ભારતીય બંદરોમાં પાકિસ્તાની જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, ભારતીય જહાજોને પાકિસ્તાની બંદરોની મુલાકાત લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY