વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની હાજરીમાં એક વર્ચ્યુઅલ સમારંભમાં વાણિજ્ય અને વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ પ્રધાન ડેન તેહાને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. (PTI Photo)

ભારતની 6,000 પ્રોડક્ટ્સ ડ્યૂટી ફ્રી બની

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક આર્થિક સહકાર અને વેપાર સમજૂતી પર શનિવાર (2 એપ્રિલે) હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી હેઠળ ભારતની ટેક્સટાઇલ, લેધર, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતની 6,000 પ્રોડક્ટ્સને ઓસ્ટ્રેલિયામાં જકાતમુક્ત નિકાસ કરી શકાશે. તેનો અમલ આગામી ચાર મહિનામાં થવાની ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની હાજરીમાં એક વર્ચ્યુઅલ સમારંભમાં વાણિજ્ય અને વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ પ્રધાન ડેન તેહાને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ગોયલે જણાવ્યું હતું કે આ સમજૂતીથી દ્વિપક્ષીય વેપાર હાલના 27.5 અબજ ડોલરથી આગામી પાંચ વર્ષમાં વધી 45થી 50 અબજ ડોલરનો થવાનો અંદાજ છે. સંધિથી આગામી 5થી 7 વર્ષમાં રોજગારીની આશરે 10 લાખ તક ઊભી થવાનો અંદાજ છે.

આ સંધિથી પ્રથમ દિવસથી જ મૂલ્યના સંદર્ભમાં ભારતની આશરે 96.4 ટકા નિકાસ માટે કોઇ પણ ડ્યૂટી ભરવી પડશે નહીં. આમાં એવી ઘણી પ્રોડક્ટ્સ છે કે જેના પર હાલ ઓસ્ટ્રેલિયામાં 4થી 5 ટકા ડ્યૂટી લાગુ પડે છે. ટેક્સટાઇલ્સ, એપેરલ, કેટલીક કૃષિ અને ફિશ પ્રોડક્ટ્સ, લેધર, ફૂટવેર, ફર્નિચર, સ્પોર્ટ્સ ગૂડ્સ, જ્વેલરી, મશીનરી, ઇલેક્ટ્રિકલ ગૂડ્સ અને રેલવે વેગન્સ સહિતના શ્રમપ્રધાન ક્ષેત્રોને સૌથી વધુ લાભ થશે.
આ સમજૂતીમાં ભારત નિકાસ કરે છે તેવી કુલ 6,500માંથી આશરે 6,000 પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ભારતે 11,500 પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદેલી છે.

ઓસ્ટ્રેલિયા ખાસ કરીને ભારતમાં કાચા માલ અને ઇન્ટરમેડિયેટ્સ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. તેથી ભારતના સ્ટીલ, એલ્યુમિનિયમ અને ફેબ્રિક્સ, ગાર્મેન્ટ જેવા ક્ષેત્રોને સસ્તો કાચો માલ મળશે.

બંને દેશો વચ્ચેના સંબંધો માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સમજૂતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો માટે વાસ્તવમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. તેનાથી બંને દેશોના ભારતના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ અને પર્યટકોના આદાન-પ્રદાનમાં સરળતા રહેશે. આ સંધિથી બંને દેશો વચ્ચેના બિઝનેસ સંભાવનોનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ મળશે તથા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં પણ ઉપયોગી બનશે.