ભારતની અગ્રણી આઇટી કંપની રશિયામાંથી ઓફર કરવામાં આવતી તેની આઇટી સર્વિસિસ તેના બીજા ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સ ખાતે શિફ્ટ કરશે. બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનક પર વધતાં જતાં દબાણ વચ્ચે કંપનીએ હિલચાલ કરી છે. ઋષિ સુનક ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિના જમાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ફોસિસની રશિયામાં હાજરીના મુદ્દે ઋષિ સુનક હાલમાં કેટલાંક મુશ્કેલ સવાલનો સામનો કરી રહ્યાં છે. સુનકની પત્ની અક્ષતા મુર્તિ ઇન્ફોસિસમાં ઇક્વિટી હિસ્સો ધરાવે છે. આ વિવાદની વચ્ચે ઇન્ફોસિસ રશિયામાંથી તેની સર્વિસિસને બીજા ગ્લોબલ ડિલવરી સેન્ટર્સમાં શિફ્ટ કરી રહી છે. જોકે સૂત્રોએ આ અંગે વધુ વિગતો આપી ન હતી.

ઇન્ફોસિસ રશિયામાં 100 કરતાં ઓછા કર્મચારી ધરાવે છે. રશિયામાં તેનો સ્થાનિક સ્ટાફ કેટલો છે અને તેમને શિફ્ટ કરાશે કે નહીં તે જાણવા મળ્યું નથી. ઇ-મેઇલ સવાલના જવાબમાં ઇન્ફોસિસે જણાવ્યું હતું કે અમે આ મુદ્દે કોઇ ટીપ્પણી કરવા માગતા નથી.

યુક્રેન પર આક્રમણને પગલે બ્રિટને રશિયાના બિઝનેસ અને કેટલાંક વગદાર લોકો સામે આકરા પ્રતિબંધ મૂકેલા છે. સુનક પોતે રશિયામાં રોકાણ અંગે સાવધ રહેવાની બ્રિટનની તમામ કંપનીઓને સૂચના આપી રહ્યાં છે. તેથી સુનક સામે સવાલ થઈ રહ્યાં છે કે આ પ્રતિબંધો તમારા પરિવારની કંપનીને લાગુ પડતાં નથી.

ગયા મહિને ઇન્ફોસિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ફોસિસ રશિયામાં કર્મચારીઓની નાની ટીમ ધરાવે છે, જે અમારા કેટલાંક વૈશ્વિક ક્લાયન્ટને સર્વિસ પૂરી પાડે છે. અમે રશિયાની સ્થાનિક કંપનીઓ સાથે કોઇ સક્રિય બિઝનેસ સંબંધો ધરાવતા નથી. કંપનીએ યુક્રેનયુદ્ધના પીડિત લોકો માટે એક મિલિયન ડોલરની ફાળવણી કરી છે.