ટેસ્ટ
(@BCCI X/ANI Photo)

લંડનના ઓવલ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારતનો ઈંગ્લેન્ડ સામે છ રનથી દિલધડક વિજય થયો હતો. આ સાથે સીરીઝ 2-2થી બરાબરીમાં રહી હતી. મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર્સ મોહમદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની મહેનતના કારણે ભારતનો વિજય થયો હતો.

ભારત બીજી ઇનિંગમાં સિરાજે 5 અને ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી હતી. ભારતે પહેલી ઇનિંગમાં 224 અને બીજી ઇનિંગમાં 396 રન કર્યા હતા, તો ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 247 અને બીજી ઇનિંગમાં 367 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધી મેચ મોહમદ સિરાજે પહેલી ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ, એમ કુલ નવ વિકેટ લીધી હતી.

તે આ સીરીઝમાં પણ બન્ને ટીમોમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો હતો. ભારતીય ટીમના સુકાની શુભમન ગિલ અને ઈંગ્લેન્ડના હેરી બ્રુકને સંયુક્ત રીતે પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા. ગિલે સિરિઝમાં ઈનિંગમાં કુલ 754 રન કર્યા હતા, જેમાં એક ડબલ સેન્ચુરી અને ત્રણ સેન્ચુરીનો સમાવેશ થતો હતો. જો કે, વિદેશી ભૂમિ ઉપર પ્રવાસી ટીમના સુકાનીના સૌથી વધુ સ્કોરનો ગેરી સોબર્સનો 1966નો રેકોર્ડ શુભમને તોડ્યો હતો. સોબર્સે પણ ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડમાં 722 રન કર્યા હતા.

પાંચમી ટેસ્ટ મેચમાં કુલ ત્રણ બેટરે સદી કરી હતી, જેમાં ભારતના યશસ્વી જયસ્વાલે 118 રન, ઇંગ્લૅન્ડના જો રૂટે 105 રન અને હેરી બ્રૂકે 111 રન કર્યા હતા. ત્રણેની સદી બીજી ઈનિંગમાં થઈ હતી. ભારત તરફથી કરુણ નાયરે 57, આકાશ દીપે 66 રન, રવિન્દ્ર જાડેજા અને વોશિગ્ટન સુંદરે 53-53 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી અડધી સદી કરનારાઓમાં ઝેક ક્રોલીએ 64, હેરી બ્રુકે 53 રન, બેન ડકેટે 54 રન કર્યા હતા.

ઓવલ ટેસ્ટ મેચની રસાકસીની વાત કરીએ તો પ્રથમ દિવસની રમતના અંતે ભારતે છ વિકેટે 204 રન કર્યા હતા, પણ પછી બીજા દિવસે ફક્ત 20 રન ઉમેરતાં ભારતના બાકીના ચાર બેટર વિદાય થયા હતા. તો ઈંગ્લેન્ડના બેટર્સે આક્રમક બેટિંગ કરી ફક્ત 51.2 ઓવરમાં 247 રન કર્યા હતા, પણ સાથે સાથે ઓલાઉટ પણ થઈ જતાં મોટી લીડ મેળવી શક્યા નહોતા.

ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને સિરાજે 4-4 તથા આકાશ દીપે એક વિકેટ લીધી હતી. ખભાની ઈજાના પગલે ક્રિસ વોક્સે બેટિંગ કરી નહોતી. અને દિવસની રમતના અંતે તો ભારતે પણ થોડી આક્રમક બેટિંગ સાથે 18 ઓવરમાં બે વિકેટે 75 રન કર્યા હતા. ત્રીજા દિવસે જયસ્વાલે સદી, નાઈટ વોચમેન તરીકે આવેલા આકાશ દીપે અડધી સદી, એ પછી જાડેજા અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી તેમજ વિકેટ કીપર બેટર ધ્રુવ જુરેલે 34 રન કરતાં ભારતે બીજી ઈનિંગમાં 88 ઓવરમાં 396 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતના અંતે 374 રનના વિજયના ટાર્ગેટ સામે એક વિકેટે 50 કર્યા હતા. ચોથા દિવસે સવારના અને બપોરે ભોજન પછીના સેશનમાં ઈંગ્લેન્ડનું પ્રભુત્ત્વ રહ્યું હતું. લંચ સમયે ટીમે 3 વિકેટે 164 અને ટી સમયે 4 વિકેટે 317 રન કર્યા હતા અને લાગતું હતું કે દિવસના અંત સુધીમાં ટીમ વિજયનો ટાર્ગેટ હાંસલ કરી લેશે. પણ છેલ્લા સેશનમાં બન્ને સદીવીર સહિતની ત્રણ વિકેટ ખેરવી મેચને એકતરફી બનતી અટકાવી હતી અને વરસાદ તથા ખરાબ પ્રકાશના કારણે મેચ વહેલી અટકાવાઈ ત્યારે ટીમે 6 વિકેટે 339 રન કર્યા હતા. હજી પણ ચાર વિકેટ બાકી હતી અને ટાર્ગેટ ફક્ત 44 રન દૂર હતો. પણ સોમવારે સવારે સિરાજ અને ક્રિષ્નાએ બાજી પલ્ટી નાખી હતી.

LEAVE A REPLY