REUTERS/Francis Mascarenhas

કોલકતાના ઇડન ગાર્ડનમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે 243 રને શાનદાર વિજય થયો હતો. વિરાટ કોહલીના શાનદાર દેખાવ સાથે ભારતે પાંચ વિકેટે 326 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 84 રનમાં તંબુભેગી થઈ ગઈ હતી. આની સાથે વિશ્વકપમાં અત્યાર સુધીમાં ભારતનો આ સળંગ આઠમો વિજય હતો.

વિરાટ કોહલીએ તેના 35મા જન્મદિવસે વિશ્વ રેકોર્ડની બરામરી કરતી સદી (અણનમ 101) ફટકારી હતી. રોહિત શર્માએ પણ માત્ર 24 બોલમાં 40 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, રવિન્દ્ર જાડેજાએ 33 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

આ મેચ સાઉથ આફ્રિકા માટે ખાસ મહત્ત્વની હતી કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે જ્યારે સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડમાંથી બે ટીમો પસંદ થવાની બાકી છે.

કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે આફ્રિકન બોલરો સામે ધુંઆધાર શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા કેપ્ટન રોહિત શર્માએ માત્ર 24 બોલમાં 40 રન બનાવ્યા હતા જેમાં 6 બાઉન્ડ્રી અને બે સિક્સ સામેલ હતી. આ ઉપરાંત શુભમન ગિલે 24 બોલમાં 23 રન બનાવ્યા હતા જેમાં ચાર બાઉન્ડ્રી અને એક સિક્સ સામેલ હતી. ગિલની વિકેટ કેશવ મહારાજે લીધી હતી.

93 રનના સ્કોર પર ભારતે શર્મા અને ગિલની વિકેટ ગુમાવ્યા પછી શ્રેયસ ઐયર અને વિરાટ કોહલીએ ઈનિંગને સ્થિરતા આપી હતી. સ્પિનર્સને મદદ કરતી પિચ પર શ્રેયસ ઐયરે 87 બોલમાં 77 રન બનાવ્યા હતા જેમાં 7 ચોગ્ગા અને બે સિક્સ સામેલ હતી. ઐયર આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 227 રન પર ત્રણ વિકેટ હતો. પાંચમા ક્રમ પર ઉતરેલા કે એલ રાહુલને મોટો સ્કોર કરવામાં સફળતા મળી ન હતી. રાહુલે માત્ર 8 રન બનાવ્યા હતા. ત્યાર પછી સૂર્ય કુમાર યાદવે ફટકાબાજીની રમઝટ બોલાવી હતી. યાદવે 14 બોલમાં 22 રન ફટકાર્યા હતા જેમાં પાંચ બાઉન્ડ્રી સામેલ હતી.
યાદવની વિકેટ પડ્યા પછી રવિન્દ્ર જાડેજાએ છેલ્લે જોરદાર બેટિંગ કરીને ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા હતાં. જાડેજાએ માત્ર 15 બોલમાં નોટઆઉટ 29 રન બનાવ્યા હતાં, જેમાં એક સિક્સ અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. છેલ્લે છેલ્લે ભારતનો સ્કોર ઝડપથી વધારવામાં સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

18 + six =