REUTERS/Raghed Waked

એશિયા કપ 2025ની ગ્રુપ-એની દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રવિવારે 14 સપ્ટેમ્બરે યોજાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પછાડીને સરળતાથી વિજય મેળવ્યો હતો. કિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા અને ભારતને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 131 રન બનાવીને પાકિસ્તાનને માત આપી હતી. આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે જીત મેળવી હતી. તેથી ભારતનો એશિયા કપમાં આ સળંગ બીજો વિજય હતો.

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 127 રન બનાવી શકી હતી. ટાર્ગેટનો પીછો કરવા ભારતની ટીમ 3 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. ભારત વતી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતાં.

પહેલગામ આતંકી હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂર પછી બંને કટ્ટર હરીફ દેશો વચ્ચેની આ પ્રથમ મેચ હતી. ભારતમાં મેચનો બહિષ્કાર કરવાના પણ એલાન થયા હતા. ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેનો પાકિસ્તાનને સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય સ્પિનર્સે પાકિસ્તાની ટીમને ઘૂંટણિયે પાડી દીધી હતી. 20માંથી 13 ઓવર ફેંકીને ભારતીય સ્પિનર્સે ફક્ત 60 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ વિકેટોમાં સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન અલી આગા, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ અને ફહીમ અશરફ સામેલ હતાં. કુલદીપ યાદવે 3 વિકેટ લઈને કમાલ કરી હતી. અક્ષર પટેલે પણ 4 ઓવરના સ્પેલમાં 18 રન આપીને 2 મોટી વિકેટ લીધી હતી.

મેચમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ વિજય ભારતીય આર્મીને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે અમે પહલગામના પીડિત પરિવારોની સાથે ઉભા છીએ. અમે પોતાની એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીતને પોતાના તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માગીએ છીએ. આજની જીત સુરક્ષા દળોને સમર્પિત છે. આજની જીત સેનાના શૌર્યને સમર્પિત છે. આશા છે કે તેઓ અમને પ્રેરિત કરતા રહેશે. ટીમ ઈન્ડિયાની જીત પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ છે.

LEAVE A REPLY