FILE PHOTO: A view of Pangong Tso lake in Ladakh region July 27, 2019. Picture taken July 27, 2019. REUTERS/Mukesh Gupta/File Photo

ચીન પેંગોંગ સરોવરના બે કિનારાને જોડવા માટે ઝડપથી પુલનું નિર્માણ કરી રહ્યું હોવાનું એક સેટેલાઇટ ઇમેજમાં બહાર આવ્યું છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેમિયન સાઇમને તાજેતરમાં પૂર્વ લડાખના આ વિસ્તારની એક સેટેલાઇટ ઇમેજ જારી કરી હતી, જેમાં ચીનની આ અવળચંડાઈ બહાર આવી છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીને પેંગોંગ લેક પરના પૂલનું 400 મીટર સુધીનું બાંધકામ પૂરું કરી દીધું છે. આ પુલ બાંધવાનું કામ પૂરપાટ ઝડપથી થઈ રહ્યું છે, તેથી આગામી થોડા મહિનામાં આખો પુલ ઊભો થઈ જાય તેવી પૂરી શક્યતા છે. પૂર્વ લડાખમાં ભારે બરફવર્ષા અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં ચીન તેના ઇરાદામાં અડગ રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે આ પુલ તૈયાર થઈ ગયા બાદ આ પ્રદેશમાં ચીનની આર્મીના વર્ચસ્વમાં વધારો થશે.

અહેવાલમાં જણાવાયું છે કે આ સરોવરના તિબેટના રુતોગ જિલ્લા સુધી પોતાની પહોંચમાં વધારો કરવા માટે ચીન આ બ્રિજ બનાવી રહ્યું છે. આ પુલ બની જવાથી રૂતોગ સુધી પહોંચવા માટે ચીને 200 કિલોમીટરનું લાબું ચક્કર લગાવવું નહીં પડે. રૂતોગ સુધી પહોંચવા માટે 150 કિલોમીટરનું અંતર ઘટી જશે.

સ્વીડનના ઉપ્સાલા યુનિવર્સિટીના પીસ એન્ડ કોન્ફ્લીક્ટ રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર અશોક સ્વૈને જણાવ્યું હતું કે આ સ્પષ્ટ સંકેત છે કે ચીન આ પ્રદેશમાંથી પીછેહટ કરવાનો કોઇ ઇરાદો ધરાવતું નથી. ચીન જે વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે તે પ્રદેશનો તેને 1960માં કબજો કર્યો હતો. ભારત સરકારે જણાવ્યું હતું કે ચીન જે વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે તે વિસ્તારોને તેને 1960માં ગેરકાયદેસર રીતે હડપ કર્યો હતો. વિદેશ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતે આ ગેરકાયદેસર કબજાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.