કોરોના વાઇરસના નવા કેસોમાં ઉછાળા વચ્ચે નવી દિલ્હીમાં 24 એપ્રિલ 2021ના રોડ એક સ્મશાનગૃહમાં સામુહિક અંતિમસંસ્કાર (PTI Photo/Kamal Kishore)

ભારત કોરોના નિરંકુશ બન્યો છે અને સતત ચોથા દિવસે દૈનિક ધોરણે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે દેશમાં એક દિવસમાં વિક્રમજનક 2,767 લોકોના મોત પણ થયા હતા. દેશમાં હાલ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા અનેક રાજ્યોની હાલત ગંભીર છે. આ રાજ્યોમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે, મેડિકલ ઓક્સિજનની અછત ઊભી થઈ છે અને વિશ્વ માટેની ફાર્મસી ગણાતા ભારતમાં જરૂરી દવાઓ પણ મળતી નથી. મેડિકલ ઓક્સિજન લેવા માટે લોકો વલખા મારી રહ્યાં છે. ઘણી હોસ્પિટલો ઓક્સિજન મેળવવા માટે એસઓએસ મોકલી રહી છે. દિલ્હીની કોર્ટે ઓક્સિજન ટેન્કર અટકાવનારને ફાંસી લટકાવી દેવાની ચીમકી આપી હતી. અંતિમસંસ્કાર માટે પણ લાંબી લાઇનો છે. લોકો કોરોના સામે નિસહાય બન્યા છે. સરકારમાં આયોજન અને પૂર્વતૈયારીનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે.

દેશની આ ભયાનક સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રાલયે રવિવારની સવારે આઠ વાગ્યે કોરોનાના બિહામણા ડેટા જારી કર્યા હતા. આ ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં આશરે 3,49,691 નવા કેસ નોંધાયા હતા અને 2,767 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,92,311 થયો હતો દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 1,69,60,172 થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા પણ 26 લાખને વટાવી ગઈ હતી.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 26.82 લાખ છે, જે કુલ કેસના આશરે 83.05 ટકા થાય છે. રિકવરી રેટ ઘટીને 83.05 ટકા થયો હતો. દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,40,85,110 થઈ હતી અને મૃત્યુદર કથળીને 1.13 ટકા થયો હતો.

સરકારના ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 676 લોકોના મોત નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં શનિવારે 67,160 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 63,818 લોકો સ્વસ્થ થયા અને 676 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 42.28 લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. તેમાંથી 34.68 લાખ લોકો રિકવર થયા છે.
ઉત્તરપ્રદેશમાં શનિવારે કોરોનાના નવા 38,055 કેસ નોંધાયા હતા અને 223 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે 22,695 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 23,572 લોકો સ્વસ્થ થયા અને 357 લોકો મૃત્યુ પામ્યા હતા. ગુજરાતમાં શનિવારે 14,097 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 6,479 લોકો સાજા થયા અને 152 લોકો મૃત્યુ પામ્યા હતા.