નવી દિલ્હીમાં કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓના સગા સંબંધીઓ ઓક્સિજન સિલિન્ડર ભરાવવા માટે રાહ જોઇ રહ્યાં છે. (PTI Photo/Manvender Vashist)

કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે લોકડાઉન 3 મે, સવારે પાંચ વાગ્યા સુધી વધારવામાં આવ્યું છે.

લોકડાઉન વધારવાની સાથે જ વર્તમાન ગાઈડલાઈન્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. વર્તમાન નિયમોનો અમલ કરવામાં આવશે. છૂટ અને પ્રતિબંધો પણ આગળની જેમ જ રહેશે. કેજરીવાલે જણાવ્યું કે, ઓક્સિજન મેનેજમેન્ટ માટે અમે પોર્ટલ તૈયાર કર્યું છે. ઓર્ડર આપવામાં આવ્યા છે. અહીં પ્રત્યેક બે કલાકમાં મેન્યુફેક્ચર, સપ્લાયર, હોસ્પિટલે જણાવવાનું રહેશે કે ઓક્સિજનની શું સ્થિતિ છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ કારણે અમે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 3 મેની સવારના 5:00 વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં વર્તાઈ રહેલી ઓક્સિજનની તંગી અંગે પણ ચર્ચા કરી હતી. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32 ટકાથી ઉપર છે, ઓક્સિજનનું સંકટ વર્તાઈ રહ્યું છે અને બેડ્સની પણ તંગી છે માટે સરકાર પાસે લોકડાઉન લંબાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો.