ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર ગુરુવાર, 20 જાન્યુઆરીએ કોરોનાના દૈનિક નવા કેસ ત્રણ લાખને વટાવી ગયા હતા અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. ત્રીજી લહેર ભારતમાં ઝડપથી પીક પર પહોંચી રહી છે. આ સાથે ઓમિક્રોનના કેસની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 5 જાન્યુઆરીએ દેશમાં 535 મૃત્યુ થયા બાદ ગુરુવારે 491ના મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના વધુ 3,17,532 કેસ નોંધાયા હતા. જે 249 દિવસના સૌથી વધુ કેસ છે. ગુરુવારના નવા કેસ સાથે કોરોનાના કુલ કેસ 3,82,18,773 થઈ ગયા છે, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધીને 9,287 થઈ ગયા હતા. નવા કેસમાં વધારો થતા એક્ટિવ કેસ 19,24,051 થઈ ગયા હતા અને તે 234 દિવસના સૌથી વધુ કેસ હતા, વધુ 491 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 4,87,693 થઈ ગયો હતો. મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે ઓમિક્રોનના બુધવારે નોંધાયેલા કેસ સામે એક દિવસમાં 3.63 ટકાનો વધારો થયો છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના દરેક પોઝિટિવ દર્દીના ઓમિક્રોન વેરિયન્ટ માટે જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી 5.03 ટકા થાય છે, જ્યારે ભારતનો કોરોના રિકવરી રેટ 93.09 ટકા પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 93,051નો વધારો નોંધાયો છે. પાછલા વર્ષે 15મી મેના રોજ દેશમાં 3,11,170 કેસ નોંધાયા હતા.