NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_21_2021_001010001)

ભારતમાં બુધવારે કોરોના વાઇરસના એક દિવસમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં દૈનિક વિક્રમજનક 3.14 લાખ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 1,59,30,965 થયા હતા. વર્લ્ડોમીટર મુજબ 8 જાન્યુઆરીના રોજ અમેરિકામાં સૌથી વધુ 3,07,581 કેસ નોંધાયા હતા. ભારતે હવે આ રેકોર્ડ તોડ્યો છે.

દેશમાં મૃત્યુના મામલે પણ છેલ્લા બે દિવસથી ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. બુધવારે રેકોર્ડ 2,101 લોકોનાં મોત થયાં થયા હતા. મૃત્યુનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પહેલા મંગળવારે 2,021 મૃત્યુ નોંધાયા હતા. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક દિવસમાં આટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના નવા 3,14,835 કેસ નોંધાયા હતા. એક દિવસમાં 2,104 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક પણ વધીને 1,84,657 થયો હતો.

એક્ટિવ કેસની સંખ્યા સતત 43મા દિવસે વધીને 23 લાખની નજીક

બુધવારે દેશમાં એક્ટિવ કેસ વધવામાં પણ રેકોર્ડ આંકડો સામે આવ્યો હતો. એક દિવસમાં 1.33 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. આ પહેલા સૌથી વધુ 18 એપ્રિલના રોજ 1.29 લાખ અને મંગળવારે 1.25 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. હવે આખા દેશમાં 22.84 લાખ દર્દીઓ એવા છે જેઓ સારવાર લઇ રહ્યા છે. જો કે, 1.79 લાખ લોકો પણ સ્વસ્થ થયા હતા.

પોઝિટિવિટી રેટ 19.2% થયો

4 એપ્રિલના રોજ 1 લાખ કેસ નોંધાયા હતા અને તે પછી બુધવારે એટલે કે 17 દિવસમાં આંકડો 3 લાખને પાર કરી ગયો હતો. રોજ નોંધાતા કેસમાં 6.76%નો વધારો નોંધાયો હતો, અમેરિકા પછી સૌથી ઝડપી કેસ નોંધાતા હોય તેવો ભારત બીજો દેશ બન્યો છે. હાલ ભારતમાં કોરોનાના કેસમાં જે રીતે ઉછાળો આવ્યો છે, તે દર્શાવે છે કે સ્થિતિ આગામી સમયમાં વણસી શકે છે. 3 દિવસમાં પોઝિટિવિટી રેટ 19.2% થઈ ગયો છે.

દેશના 17 રાજ્યોમાં વિક્રમજનક કેસ

દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાવ્યા હતા, જેમાં ઉત્તરપ્રદેશમાં 33,214 નવા કેસ નોંધાયા હતા, જે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવે છે. આ સિવાયના રાજ્યોમાં કર્ણાટકા (23,558), કેરળ (22,414), રાજસ્થાન (14,622), મધ્યપ્રદેશ (13,107), ગુજરાત (12,553), બિહાર (12,222), તામિલનાડુ (11,681), પશ્ચિમ બંગાળ (10,784), હરિયાણા (9,623), ઝારખંડ (5,041), પંજાબ (4,970), ઉત્તરાખંડ (4,807), ઓડિશા (4,851), તેલંગાણા (6,542), જમ્મુ-કાશ્મીર (2,204) અને ગોવા (1,502)માં બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિ

મહારાષ્ટ્રમાં સૌથી વધારે 67,468 નવા કેસ નોંધાયા હતા, જે બીજા નંબરના રાજ્યના સૌથી વધુ કેસ છે. આ સિવાય દિલ્હીમાં 24,638 (મંગળવારે 28,395) કેસ નોંધાયા હતા. નવા કેસમાં ઉછાળો નોંધાવતા એક માત્ર આંધ્રપ્રદેશમાં પહેલી લહેર દરમિયાન 10,830ના પીક પર કેસ પહોંચ્યા બાદ બીજી લહેરમાં આંકડો તેના કરતા નીચો રહ્યો છે. બુધવારે રાજ્યમાં 9,716 કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં સતત સૌથી વધારે મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે, અહીં સૌથી વધારે 568 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દિલ્હીમાં 249 અને છત્તીસગઢમાં 193 લોકોએ 24 કલાકમાં કોરોના સામે દમ તોડ્યો હતો. ગુજરાતમાં 125 અને કર્ણાટકામાં 116 લોકોએ કોરોના સામે અંતિમ શ્વાસ લીધા હતા. આ સિવાય અન્ય ઊંચા મૃત્યુઆંક નોંધવનારા રાજ્યોમાં મધ્યપ્રદેશ (75), પંજાબ (69), ઝારખંડ (62 અત્યાર સુધીના સૌથી વધુ), રાજસ્થાન (62), પશ્ચિમ બંગાળ (58) અને તામિલનાડુ (53)નો સમાવેશ થાય છે.