ભારતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુઆંક ફરીથી વધી રહ્યો છે. સંક્રમિત દર્દીઓના આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે રોજિંદા મૃત્યુના કેસમાં ભારત ફરીથી વિશ્વના ટોપ-20 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 62.40 લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જેમાં 5,22,149 લોકો ભારતના હતા. સૌથી વધારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને દેશમાં હજુ પણ વાઇરસનો ફેલાવો યથાવત છે. પછી બ્રાઝિલમાં 6.62 લાખ દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, વાઇરસના ચેપથી મૃત્યુના મામલે ભારત ત્રીજા ક્રમે છે. કોરોનાના કારણે દરરોજ થતા મૃત્યુના મામલામાં ભારત હવે ટોપ-20 દેશોમાં સામેલ થઈ ગયું છે. મોતના આંકડા પ્રમાણે દરરોજ આ યાદી બદલાતી રહે છે. જોકે, ભારત તેમાં 15માથી 17મા નંબર પર છે. શુક્રવારે દેશમાં 33 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.
16 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન ભારતમાં 402 લોકોના મૃત્યુ થયા છે અને આ અગાઉ 9થી 15 એપ્રિલ દરમિયાન 91 લોકોના મૃત્યુ થયા હતા. દેશના 9 રાજ્યોના 36 જિલ્લાઓમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે. જેમાં હરિયાણાના ગુરૂગ્રામ અને ફરીદાબાદ, ઉત્તર પ્રદેશનું નોઈડા, મધ્યપ્રદેશ, દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર સામેલ છે. ઉપરાંત કેરલના 14, મિઝોરમના 9 અને સિક્કિમનો એક જિલ્લો સામેલ છે. આ લહેરમાં બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં જ છેલ્લા 10 દિવસમાં સંક્રમિત લોકોમાં 25થી 30 ટકા બાળકો હતા.