ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. શુક્રવારે દેશમાં નોંધાયા કુલ નવા કેસમાંથી 85.6% કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે.
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં નવા 23,285 પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 14,317 (કુલ દૈનિક કેસમાંથી 61.48%) લોકો સંક્રમિત થયા છે. ત્યારબાદ સર્વાધિક નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં કેરળ અને પંજાબ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે 2,133 અને 1,305 નવા કેસ નોંધાયા છે.
આઠ રાજ્યો એવા છે જ્યાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.
ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,97,237 નોંધાઇ છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી 1.74% છે.
દેશમાં કુલ સક્રિય કેસમાંથી 82.96% દર્દીઓ માત્ર પાંચ રાજ્યોમાં જ હોવાનું નોંધાયું છે. તેમજ, ભારતના કુલ સક્રિય કેસમાંથી 71.69% દર્દી મહારાષ્ટ્ર અને કેરળમાં છે.
કોવિડના નિયંત્રણ માટે કેન્દ્ર સતત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંપર્કમાં છે ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસ નોંધાતા હોય તેમજ સક્રિય કેસનું ભારણ ઘણું વધારે હોય તેમની સાથે વધુ નીકટતાથી કામ કરે છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના માપદંડો અંગેની સ્થિતિની સમીક્ષા કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર અને પંજાબમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી કારણ કે, આ રાજ્યોમાં તાજેતરમાં નવા કેસની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જન્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી જેથી કોવિડ-19ના કેસમાં અહીં તાજેતરમાં થયેલી વૃદ્ધિને નિયંત્રણમા રાખવા માટે મહામારી સામેની તેમની લડતમાં મદદરૂપ થઇ શકાય.
દેશભરમાં રસીકરણ કવાયતના 55મા દિવસે (11 માર્ચ 2021) રસીના 4,80,740 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 9,751 સત્રોનું આયોજન કરીને 4,02,138 ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 78,602 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં કુલ 1.09 કરોડથી વધારે (1,09,53,303) દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15,157 દર્દી સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.
નવા મૃત્યુઆંકમાં 82.91% દર્દીઓ માત્ર છ રાજ્યોમાંથી જ હતા. મહારાષ્ટ્રમાં સતત સર્વાધિક મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે જ્યાં વધુ 57 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 18 જ્યારે કેરળમાં 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
દેશમાં ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, રાજસ્થાન, ચંદીગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, પુડુચેરી, લક્ષદ્વીપ, મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મિઝોરમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.