તૃણમૂલ કોંગ્રેસમાંથી શીર્ષસ્થ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી માટે એક સારા સમાચાર આવ્યા છે. અટલબિહારી વાજપેયી સરકારમાં નાણા અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા ભાજપના વરિષ્ઠ નેતા શનિવારે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા છે. તેમણે કોલકાતા ખાતે TMCના મુખ્યાલયમાં પક્ષમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળની ચૂંટણી અગાઉ સિંહાએ મમતા બેનર્જી સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. યશવંત સિંહા વર્ષ 2014 પછી નરેન્દ્ર મોદીની જાહેરમાં ટીકા કરી રહ્યા છે. તેમણે વારંવાર મોદી સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કર્યો છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં (2014થી 2019) તેમના પુત્ર જયંત સિંહા નાણા અને નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા. યશવંત સિંહાએ ત્યારે પણ અનેવાર સરકારની ટીકા કરી હતી. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન યોજાવાની છે. 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને પછી 1 એપ્રિલે બીજા રાઉન્ડનું મતદાન યોજાશે.