ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લીધો હતો.
આ સંમેલનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે સૌ, આપણા લોકશાહી મૂલ્યો તેમજ મુક્ત, મોકળા અને સર્વ સમાવેશી ઇન્ડો-પેસિફિક માટે આપણી કટિબદ્ધતા દ્વારા એકજૂથ છીએ. આપણા આજના એજન્ડામાં આવરી લીધેલા મુદ્દા-રસી, આબોહવા પરિવર્તન અને ઉભરતી ટેકનોલોજી- ક્વાડને વૈશ્વિક ભલાઇનું બળ બનાવે છે. આ સકારાત્મક દૂરંદેશીને હું ભારતની પ્રાચીન વિચારધારા ‘વસુધૈવ કુટુંબકમ્’ તરીકે જોઉં છું, એટલે કે, આખું જગત એક પરિવાર છે.
આપણા સહિયારા મૂલ્યોને આગળ ધપાવવા માટે અને સુરક્ષિત, સ્થિર તેમજ સમૃદ્ધ ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવા માટે આપણે અભૂતપૂર્વ રીતે સાથે મળીને, નીકટતાથી કામ કરીશું. આજની શિખર બેઠક બતાવે છે કે, ક્વાડ યુગનો સમય આવ્યો છે.તે હવે આ પ્રદેશમાં સ્થિરતા માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહેશે. તમામ નેતાઓએ સામાન્ય હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવિષ્ટ ભારત-પ્રશાંત ક્ષેત્રને જાળવવા તરફના સહકારના ક્ષેત્રો પર તેમના મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ શિખર સંમેલનમાં સપ્લાય ચેઇન વ્યવસ્થા, નવી ઉભરતી મહત્વપૂર્ણ ટેકનોલોજી, દરિયાઇ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા સમકાલીન પડકારો પરના વિચારોને રજૂ કરવામાં આવ્યા હતા.
આ શિખર સંમેલન દરમિયાન ક્વાડ નેતા કોવિડ -19 રોગચાળા સામે લડવામાં અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષિત, સમાન અને સસ્તી રસી સુનિશ્ચિત કરવામાં સહકાર માટેની ચર્ચા થઇ હતી.