ભારતના પાંચ રાજ્યો એટલે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. શુક્રવાર સુધીના 24 કલાકમાં 59,118 નવા કેસો પોઝિટીવ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક કેસો નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 35,952 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,661 જ્યારે કર્ણાટકમાં વધુ 2,523 દર્દી પોઝિટીવ નોંધાયા છે. દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે. ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા ફેબ્રુઆરીના મધ્યમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યા પછી તેમાં સતત વૃદ્ધિ નોંધાઇ રહી છે. આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 4.21 લાખ (4,21,066) નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 25,874 દર્દીનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 73.64% દર્દીઓ ત્રણ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. ભારતમાં શુક્રવાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,12,64,637 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 95.09% છે. છેલ્લા 24 કલાકમાં વધુ 32,987 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 257 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 78.6% દર્દીઓ છ રાજ્યોમાંથી નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 111 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં 43 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, ઓડિશા, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, ત્રિપુરા, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
તો બીજી તરફ ભારતમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતમાં સતત પ્રગતિ નોંધાઇ રહી છે. શુક્રવાર સવારે 7 વાગ્યા સુધીના અહેવાલ અનુસાર દેશમાં કુલ 5.5 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 80,34,547 HCWs (પ્રથમ ડોઝ), 51,04,398 HCWs (બીજો ડોઝ), 85,99,981 FLWs (પથમ ડોઝ) અને 33,98,570 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 55,99,772 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,47,67,172 લાભાર્થી સામેલ છે.
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% લાભાર્થીઓ આઠ રાજ્યોમાંથી છે. દેશમાં રસીકરણ કવાયતના 69મા દિવસે (25 માર્ચ 2021) રસીના કુલ 23 લાખથી વધારે (23,58,731) ડોઝ આપવામાં આવ્યા હતા.