ભારતમાં કોરોના વાઇરસના સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે અને હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 23,43,152 થઇ ગઇ છે. 10 મે 2021ના રોજ સક્રિય કેસોની સર્વોચ્ચ સંખ્યા નોંધાયા પછી તેમાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
શુક્રવાર સુધીના સક્રિય કેસોની સંખ્યામાં 76,755 દર્દીનો ચોખ્ખો ઘટાડો થયો છે અને ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 8.50% રહ્યો છે. દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડાના ભાગરૂપે, દેશમાં સતત 12 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,86,364 કેસ નોંધાયા છે.
ભારતમાં સતત 15 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા સંક્રમિતોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2,59,459 દર્દી સાજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ સાજા થનારાની સંખ્યા 73,095 વધારે છે.
મહામારીના પ્રારંભથી આજદિન સુધીમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓમાં 2,48,93,410 લોકો કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 2,59,459 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 90.34% થયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,70,508 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 33.90 કરોડ થઇ ગઇ છે.
દેશમાં એક તરફ પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 10.42% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 9.00% નોંધાયો છે. સળંગ ચાર દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 20.57 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા પછી દુનિયામાં ભારત બીજો દેશ છે જેણે રસીના 20 કરોડથી વધારે ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.
શુક્રવાર સુધીના હંગામી અહેવાલો અનુસાર દેશમાં રસીના કુલ 20,57,20,660 ડોઝ આપવામાં આવ્યા છે.