ભારતમાં શનિવાર સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં રસીના 46,15,18,479 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 52,99,036 ડોઝ આપવામાં આવ્યા છે.
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,07,81,263 દર્દીઓ સાજા થઇ ગયા છે, આથી એકંદરે સાજા થવાનો દર 97.37% થયો છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 41,649 નવા કેસ નોંધાયા છે. 34 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,08,920 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.29% છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,76,315 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 46.64 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.42% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.34% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 54 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.