ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે નિયમિત વિદ્યાર્થીઓની ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી ન હતી અને તેમને માસ પ્રમોશન આપ્યું હતું. ધો. ૧૨ સામાન્ય પ્રવાહના શનિવારે ઓનલાઇન જાહેર થયેલ પરિણામમાં નિયમિત વિદ્યાર્થીઓનું 100 ટકા આવ્યું છે, જે ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. સવારે 8 કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેકસ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોયું હતું. પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને અપાયું હતું. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ પરિણામમાં A2 ગ્રેડમાં ૯૪૫૫, B1 ગ્રેડમાં ૩૫,૨૮૮, B2 ગ્રેડમાં ૮૨૦૧૦, C1 ગ્રેડમાં ૧,૨૯,૭૮૧, C2 ગ્રેડમાં ૧,૦૮,૨૯૯, D2 ગ્રેડમાં ૨૮,૬૯૦, E1 ગ્રેડમાં ૫૮૮૫ અને E2 ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
પરિણામ બનાવવા માટે ધોરણ ૧૦ના પરિણામના ૫૦%, ૧૧માના પરિણામના ૨૫% અને ધોરણ ૧૨માં એકમ કસોટીના ૨૫% માર્ક લેવાયા છે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ લાખ ૧૦ હજાર ૩૭૫ વિદ્યાર્થીઓ અને ૧ લાખ ૮૯ હજાર ૭૫૨ વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે.