AP Photo

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાના પગલે ભારત સરકારે દેશમાં તમામ પોર્ટ્સ પર વિદેશી ક્રુઝ શિપ્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સોમવારે અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વીકએન્ડમાં એક યુરોપિયન જહાજને દક્ષિણ ભારતના કર્ણાટકમાં મેંગલોર બંદરે પ્રવેશની મનાઈ કરવામાં આવી હતી. ગત મહિને જાપાન પાસે ડાયમન્ડ પ્રિન્સેસ શિપમાં કોરોના વાઇરસથી 6 લોકોના મૃત્યુ થયા હતા અને 700થી વધુ કેસ નોંધાયા હતા.
વિવિધ ક્રુઝ શિપ્સ આ જીવલેણ વાઇરસનો રોગચાળો ફેલાવવા માટે ખૂબજ સાનુકુળ મનાય છે. આ સિવાય કેલિફોર્નિયામાં રહેલા ગ્રાન્ડ પ્રિન્સેસ શિપમાં કોરોનાવાઇરસના 21 કેસ નોંધાયા હતા, જ્યારે આ શિપમાં 3500 લોકો હતા. મેંગલોરથી પરત મોકલાયેલા એમએસસી લિરિકાના ઓપરેટરે જણાવ્યું હતું કે, 1145 ક્રુ મેમ્બર્સ કે 1430 જેટલા મુસાફરોમાંથી કોઇને પણ ફ્લૂ જેવી બિમારી કે તેના જેવા લક્ષણો જણાયા નહોતા. એમએસસી ક્રુઝના પ્રવકત્તા રોબિન રૂથન્સે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમારી શિપમાં કોઇપણ બિમાર વ્યક્તિ નહોતી. અમે મેડિકલના તમામ નિયમોનું પાલન કરતા હતા.
મેંગલોર પોર્ટ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઇરસની સ્થિતિને પગલે કેન્દ્ર સરકારે ભારતીય બંદરો પર કોઇપણ વિદેશ ક્રુઝ શિપને પ્રવેશની તાત્કાલિક અસરથી 31 માર્ચ, 2020 સુધી મનાઇ ફરમાવી છે. એમએસસી ક્રુઝીસ સ્વિત્ઝર્લેન્ડ સ્થિત યુરોપિયન કંપની છે, વિશ્વભરના તેના 30 હજાર કર્મચારીઓ છે અને 69 દેશોમાં તે ક્રુઝ હોલીડેઝનું આયોજન કરે છે.