ફ્રાન્સની કંપની નેવલ ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP)માં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) અંગેની શરતોને કારણે તે ભારત સરકારના P-75I પ્રોજેક્ટમાં ભાગ લઇ શકી નથી. પ્રોજેક્ટ હેઠળ દેશમાં જ ભારતીય નેવી માટે છ પરંપરાગત સબમરીનનું નિર્માણ કરવાનું છે. નેવલ ગ્રૂપનું આ નિવેદન વડાપ્રધાન મોદીની પેરિસ મુલાકાતના એક દિવસ પહેલાં આવ્યું હતું. AIP સિસ્ટમને પગલે સબમરીન લાંબા સમય સુધી વધુ ઝડપે પાણીમાં રહી શકે છે.

નેવલ ગ્રૂપ ઇન્ડિયાના કંટ્રી અને એમડી લોરેન્ટ વિદિયુએ મંગળવારે જણાવ્યું હતું કે, “RFPની કેટલીક શરતોને કારણે બે વ્યૂહાત્મક ભાગીદાર અમને રિક્વેસ્ટ સુપરત કરી શક્યા ન હતા.” ગયા વર્ષે જૂનમાં સંરક્ષણ મંત્રાલયે P-75I પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને શોર્ટલિસ્ટ કરાયેલી બે ભારતીય કંપનીઓને RFP ઇશ્યૂ કરાઈ હતી. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો અને સરકારી કંપની મઝગાંવ ડોક્સનો સમાવેશ થતો હતો. આ બે ભારતીય કંપનીઓ માટે શોર્ટલિસ્ટ કરાયેલી પાંચ વિદેશી કંપનીમાંથી કોઇ એક સાથે જોડાણ કરવું જરૂરી હતું. વિદેશી કંપનીઓમાં થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (જર્મની), નેવંતિયા (સ્પેન), નેવલ ગ્રૂપ (ફ્રાન્સ), ડેવૂ (સાઉથ કોરિયા) અને રોસોબોરોનએક્સ્પોર્ટ (રશિયા)નો સમાવેશ થતો હતો.