રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ 2023 ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. (ANI Photo)

ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ સોમવારે, 14 ઓગસ્ટે દેશના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક મંચ પર માત્ર તેનું યોગ્ય સ્થાન પાછું મેળવ્યું નથી, પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં દેશના દરજ્જામાં વધારો કર્યો છે. ભારતની વૃદ્ધિગાથામાં વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયોએ વ્યક્ત કરેલો નવો આત્મવિશ્વાસ તેનો પુરાવો છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત વિશ્વભરમાં વિકાસલક્ષી અને માનવતાવાદી ધ્યેયો આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. દેશે આંતરરાષ્ટ્રીય મંચો અને ખાસ કરીને G-20નું પ્રમુખપદ પણ સંભાળ્યું છે.

સંવાદિતા અને ભાઇચારાની ભાવના સાથે પ્રગતિ કરવાની દેશના નાગરિકોને અપીલ કરતાં પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે દરેક ભારતીય એકસમાન નાગરિક છે, દરેકને આ ભૂમિમાં સમાન તકો, અધિકારો અને ફરજો મળ્યાં છે. દરેક ભારતીયની અનેક ઓળખ છે, પરંતુ જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રદેશ, કુટુંબની ઓળખ કરતાં “ભારતના નાગરિક” તરીકેની ઓળખ સૌથી ઉપર છે. ભારતની દીકરીઓ આગળ વધે અને દરેક પડકારનો સામનો કરવા સક્ષમ બને તેવી મારી ઇચ્છા છે. મહિલાઓ હવે ભારતના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં સહભાગી થઈ રહી છે અને એવી જવાબદારીઓ નિભાવી રહી છે, જેના વિશે થોડાક દાયકાઓ પહેલા વિચાર્યું નહોતું. મને આનંદ થાય છે કે આપણા દેશમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આર્થિક સશક્તિકરણ કુટુંબ અને સમાજમાં મહિલાઓની સ્થિતિ મજબૂત બનાવે છે.

ભારત લોકશાહીની જનની હોવાનો ઉલ્લેખ કરતાં શ્રીમતી મુર્મુએ જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી આપણી પાસે લોકશાહી સંસ્થાઓ પાયાના સ્તરે કાર્યરત છે. પરંતુ લાંબા વર્ષોના બ્રિટિશ રાજથી આ લોકશાહી સંસ્થાઓ નાશ પામી હતી. 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. ચાલુ વર્ષે ભારતની G-20ની અધ્યક્ષતાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ગ્રૂપ વિશ્વના બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે તથા ભારત વેપાર અને નાણાંકીય ક્ષેત્રેના નિર્ણયોમાં મોટો પ્રભાવ પાડી શકે છે. દેશે પડકારોને તકોમાં રૂપાંતરિત કર્યા છે અને પ્રભાવશાળી જીડીપી વૃદ્ધિ પણ હાંસલ કરી છે. દેશ તમામ મોરચે પ્રગતિ કરી રહ્યો છે. વિશ્વના ઘણા અર્થતંત્રો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આપણી સરકાર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં સફળ રહી છે. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે.

પોતાના બાળપણના દિવસો યાદ કરતાં પ્રેસિડેન્ટ મુર્મુએ કહ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવા માટે તમામ લોકો તૈયારી કરી રહ્યા છે. તે મને મારા બાળપણની પણ યાદ અપાવે છે. તિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે શરીરમાં વીજળીનો કરંટ આવ્યો હોય. મીઠાઈનું વિતરણ કરવામાં આવતું હતું.

સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, આપણે એક એવા મહાન જનસમુદાયનો ભાગ છીએ જે આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નાગરિકોનો સમુદાય છે.
15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી. આપણી સ્વાતંત્ર્ય ચળવળ અદભૂત હતી. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ, સત્ય-અહિંસાનાં મૂલ્યો આખી દુનિયામાં અપનાવવામાં આવ્યાં છે.
હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપે. હું ઈચ્છું છું કે આપણી બહેનો અને દીકરીઓ દરેક પ્રકારના પડકારોનો હિંમતથી સામનો કરે અને જીવનમાં આગળ વધે.
શ્રીમતી મુર્મુએ કહ્યું હતું કે મોટાભાગની લોકશાહીમાં મહિલાઓએ મતદાનનો અધિકાર મેળવવા લાંબા સમય સુધી લડત ચલાવી હતી, જ્યારે ભારતે પ્રજાસત્તાકની શરૂઆતથી જ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો. આનાથી મહિલાઓને શરૂઆતથી જ મતાધિકાર મળી ગયો હતો.

LEAVE A REPLY

one + fourteen =